Friday 21 December 2012

HAMPAKLAL GURU

य एकोऽवर्णो बहुधा शक्तियोगाद् वरणाननेकान् निहितार्थो दधाति ।
विचैति चान्ते विश्वमादौ च देवः स नो बुद्ध्या शुभया संयुनक्तु ॥१॥
આ શ્લોકમાં સદબુદ્ધિની પ્રાર્થના કરવામાં આવી છે. જીવનમાં સદબુદ્ધિનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. એના પર જીવનની સુખશાંતિનો ને સફળતાનો ઘણો મોટો આધાર છે. પરમાત્માની પ્રાપ્તિ માટે અથવા એમની પ્રાપ્તિની સંતોષકારક સાચી સાધનાના સમ્યક્ અનુષ્ઠાન માટે સદબુદ્ધિની અનિવાર્ય આવશ્યકતા છે. જે સત્યની દિશામાં દોરે તે સદબુદ્ધિ. ઋષિ પરમાત્માની પાસે સદ્ બુદ્ધિની પ્રાર્થના કરે છે તેમ આપણે પણ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ ! હે પરબ્રહ્મ પરમાત્મા ! અમને દુર્બુદ્ધિમાંથી મુક્ત કરીને સદબુદ્ધિ આપો. એ પરમાત્મા રૂપ, રંગથી રહિત હોવાં છતાં પણ કોઇક વિશિષ્ટ અજ્ઞાત પ્રયોજનથી પ્રેરાઇને, વિભિન્ન શક્તિના સંબંધથી, સૃષ્ટિની શરૂઆતમાં જુદાજુદા અસંખ્ય રૂપરંગને ધારણ કરે છે, અને સૃષ્ટિને છેવટે એમની અંદર સમાવી લે છે. એમની પ્રાર્થના સર્વપ્રકારે શ્રેયસ્કર થઇ પડે છે.
तदेवाग्निस्तदादित्यस्तद्वायुस्तदु चन्द्रमाः
तदेव शुक्रं तद् ब्रह्म  तदापस्तत् प्रजापतिः ॥२॥
જગતના જુદાજુદા પદાર્થોમાં એકમાત્ર પરમાત્મા જ રહેલા છે. એમની અંદર અને એમના રૂપમાં એ જ વિરાજમાન છે. સૌના અંતર્યામીરૂપે એ જ વિદ્યમાન છે. એ જ અગ્નિ છે, સૂર્ય-ચંદ્ર, નક્ષત્ર, પવન, પાણી તથા પ્રજાપતિ છે. બ્રહ્મા થઇને એ જ સૃષ્ટિને સરજે છે. આ બધો એમનો જ મહિમા, એમની જ લીલા છે. ભક્ત કવિ નરસી મહેતાએ ગાયું છે તેમઃ
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
શબ્દ થઇ વ્યાપી રહ્યો આકાશે,
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે.
વેદ તો એમ વદે, શ્રુતિસ્મૃતિ શાખ દે,
કનક કુંડલ વિશે ભેદ ન હોયે;
ઘાટ ઘડ્યાં પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે.

त्वं स्त्री पुमानसि त्वं कुमार उत वा कुमारी ।
त्वं जीर्णो दण्डेन वञ्चसि त्वं जातो भवसि विश्वतोमुखः ॥३॥
પરમાત્માના વિરાટ રૂપને વર્ણવતાં અહીં કાવ્યાત્મક શૈલીમાં, કળાત્મક તથા રસમય રીતે કહેવામાં આવે છે કે પુરુષ અને સ્ત્રીના અવનવીન સ્વરૂપોને હે પ્રભુ, તમે જ ધારો છો. તમે જ પૌરુષયુક્ત પુરુષ બનો છો અને સૌન્દર્યવતી સ્ત્રી. તમે જ કુમાર અને કુમારી બનીને વિહરો છો, અને વૃદ્ધના જીર્ણ સ્વરૂપમાં લાકડીની મદદથી લથડતી ચાલે આગળ વધો છો. વિરાટ બનીને તમે જ સર્વ વદનવાળા બનો છો. સંસારમાં જેટલા પણ મુખ અને સ્વરૂપ છે એ બધાં તમારાં જ છે. સંસાર તમારું જ વિરાટ વ્યક્ત સ્વરૂપ છે.
नीलः पतङ्गो हरितो लोहिताक्षस्तडिद्गर्भ ऋतवः समुद्राः ।
अनादिमत् त्वं विभुत्वेन वर्तसे यतो जातानि भुवनानि विश्वा ॥४॥
નીલરંગી ભ્રમર કે પતંગિયાના રૂપમાં ને લીલા રંગના લાલ લોચનવાળા પોપટના રૂપમાં, કોયલ - કાગડા, સારસ, મોર અને અન્ય અનેક નાનાં મોટાં વિહંગોના રૂપમાં હે પ્રભુ ! તમે જ વિચરો છો. ચપલાના ચમકારથી ચમકી ઉઠનારા વરસાદી વાદળો વેશે વ્યોમમાં તમે જ વિલસો છો, અને આંખને આનંદ અથવા અંતરને આરામ આપતાં વરસો છો. તમે જ વિશાળ સમુદ્રનું સ્વરૂપ લીધું છે. તમારી દ્વારા, તમારી અંદર જ સમસ્ત સૃષ્ટિનું સર્જન અથવા લોકલોકાંતરોનું પ્રાકટ્ય થયું છે. તમે પરા અને અપરા પ્રકૃતિના અધીશ્વર છો અને સર્વત્ર વિરાજો છો.
अजामेकां लोहितशुक्लकृष्णां बह्वीः प्रजाः सृजमानां सरूपाः ।
अजो ह्येको जुषमाणोऽनुशेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः ॥५॥
આ શ્લોકની પહેલાંના શ્લોકમાં પરમાત્માને પ્રકૃતિના અધીશ્વર કહ્યા છે. એ પ્રકૃતિ ગીતામાં વર્ણવ્યા પ્રમાણે અપરા અને પરા - બે પ્રકારની છે. અપરા પ્રકૃતિ આઠ પ્રકારની ને પરા પ્રકૃતિ એક હોવાથી પ્રકૃતિને નવધા કહેવામાં આવે છે. સત્વ, રજ, તમ - ત્રિવિધ ગુણવાળી હોવાને લીધે એને ત્રિગુણાત્મિકા પણ કહે છે. સત્વગુણ શુદ્ધિનો સૂચક હોવાથી સફેદ મનાય છે. રજોગુણ રાગાત્મક હોવાથી લાલ કહ્યો છે, અને તમોગુણ પ્રમાદ, મોહ અથવા અજ્ઞાનરૂપ હોવાથી કૃષ્ણવર્ણનો ગણાય છે. એ ગુણોને લીધે જ પ્રકૃતિને શ્વેત, લાલ અને કૃષ્ણ વર્ણની વર્ણવેલી છે. પરા પ્રકૃતિમાં જીવનો સમાવેશ કરવામાં આવે છે. એના પણ બે પ્રકાર પાડવામાં આવ્યા છે. એક પ્રકાર તો એવા પ્રાકૃત જીવોનો છે જે પ્રકૃતિના ગુણધર્મોમાં કે રૂપ રંગોમાં આસક્ત થઇને એના ભોગોને ભોગવે છે ને સુખદુઃખને અનુભવે છે. બીજા પ્રકાર જ્ઞાની મહાપુરુષોનો છે જેમણે પ્રકૃતિના ભોગોને ભોગવીને, એમને અસાર સમજીને આખરે તેમનો ત્યાગ કર્યો છે. એ બંને પ્રકારના પ્રાકૃત અને અપ્રાકૃત જીવો અજન્મા અને અનાદિ છે. એટલા માટે પરા પ્રકૃતિને અજ કહેવામાં આવે છે.
द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते ।
तयोरन्यः पिप्पलं स्वाद्वत्त्यनश्नन्नन्यो अभिचाकशीति ॥६॥
આ શ્લોક ઉપનિષદના સુંદર સારવાહી શ્લોક ભંડારમાંનો એક છે. એ અમર શ્લોક દ્વારા બે પક્ષીઓની ઉપમા આપીને તત્વજ્ઞાનના ગહન વિષયને અત્યંત સરળ રીતે સમજાવવામાં આવ્યો છે. એમ કહો કે જીવાત્મા તથા પરમાત્મા વિશે પ્રકાશ પાડવામાં આવ્યો છે. ઋષિ એક વિશાળ વૃક્ષની કલ્પના કરીને કહે છે કે એ વૃક્ષની ડાળી પર બે પક્ષી બેઠેલા છે. એ પક્ષી સનાતન સમયના સાથી અને શાશ્વત સ્નેહના સૂત્રે બંધાયેલા છે. એ વિચિત્ર વૃક્ષ પર વિરાજેલું એક પક્ષી એનાં ફળોનો ઉપભોગ કરે છે, એટલે વિવિધ પ્રકારનાં ફળોના રસાસ્વાદને લીધે સુખદુઃખ અથવા હર્ષશોકની સંમિશ્રિત અસરોને અનુભવે છે. પરંતુ બીજું પક્ષી ફળોના આસ્વાદથી અલિપ્ત રહે છે. ફળોનો ઉપભોગ જ નથી કરતું.
આ શ્લોકમાં વણર્વેલું વૃક્ષ શરીર છે. સ્થૂળ શરીર. એમાં જીવાત્મા અને પરમાત્મા બંનેનો વાસ છે. બંને સનાતન સખા અથવા સાથી છે. એકમેકની સાથે શાશ્વત સ્નેહસૂત્રે બંધાયેલા છે. એમાં જીવાત્મા જુદા જુદા કર્મફળોનો ઉપભોગ કરે છે, શુભાશુભ કર્મફળોની સારીનરસી, અનુકૂળ કે પ્રતિકૂળ પ્રકિયાને અનુભવે છે, અને પરમાત્મા કશું જ નથી કરતા. એ સર્વ પ્રકારનાં કર્મો અને કર્મફળોની શુભાશુભ અસરોથી અલિપ્ત રહે છે. એમની અંદર અહંતા અથવા મમતા નથી હોતી. એ જીવાત્માની જેમ કર્મફળમાં આસક્તિ કરીને બદ્ધ નથી બનતા. પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહે છે. જીવાત્મા તો પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને વિષયોપભોગ કરી, વિષયોમાં પડીને ભૂલી જાય છે. માટે તો અશાંત અને દુઃખી થાય છે
समाने वृक्षे पुरुषो निमग्नोऽनीशया शोचति मुह्यमानः ।
जुष्टं यदा पश्यत्यन्यमीशमस्य महिमानमिति वीतशोकः ॥७॥
પરમાત્માની સાથે શરીરરૂપી એક જ વૃક્ષ પર વિરાજનારો જીવાત્મા પ્રિયતમ પરમાત્માનું વિસ્મરણ કરીને સંસારના વિનાશશીલ વિષયોમાં અને કર્મફળના ભોગોપભોગમાં આસક્ત થયેલો છે. એ હર્ષ તથા શોકનો, મોહ અને સંમોહનો અનુભવ કરે છે. પરમાત્માની પરમકૃપાથી પ્રેરાઇને જ્યારે એ સત્કર્મોના સુપરિપાકરૂપે સાધનાનો આશ્રય લે છે ત્યારે પોતાની તદ્દન પાસે વિરાજતા પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. એમના અલૌકિક મહિમાનું એને જ્ઞાન થાય છે. એથી એ સર્વથા શોકરહિત બની જાય છે. ભય, ચિંતા તથા બંધન અને ભેદભાવમાંથી કાયમને મુક્તિ મેળવે છે. જીવાત્માને માટે શોક તથા મોહમાંથી મુક્તિ મેળવવાનો બીજો કોઇ જ અમોઘ ઉપાય નથી.
ऋचो अक्षरे परमे व्योमन् यस्मिन्देवा अधि विश्वे निषेदुः ।
यस्तं न वेद किमृचा करिष्यति य इत्तद्विदुस्त इमे समासते ॥८॥
પરબ્રહ્મ પરમાત્મા એક અથવા અનન્ય હોવા છતાં સમસ્ત સૃષ્ટિના સ્વામી, અખિલ અવનીના આશ્રયદાતા છે. એમની પરમ દિવ્ય ચેતનામાં દેવો રહેલા છે. એમના દિવ્ય પરમધામમાં વેદોનો વાસ છે, એટલે એ અલૌકિક અક્ષર જ્ઞાનસ્વરૂપ છે. વેદોનો વિચાર અથવા અભ્યાસ એમને ઓળખવા માટે જ છે. એ જ જાણવા યોગ્ય હોવાથી વેદની મદદથી જરૂરી યોગ્યતાની પ્રાપ્તિ કરીને જે એમને નથી જાણતા અથવા જાણવાનો પ્રામાણિક પ્રયત્ન પણ નથી કરતા કે વેદના મહિમાથી વંચિત રહે છે. જે એમને જાણી લે છે તે એમની સાથે અભિન્ન અંતરંગ એકતાને અનુભવે છે અથવા એકરૂપ બને છે. એમના દિવ્ય પરમધામમાં ઇચ્છાનુસાર સ્થિતિ કરે છે. માનવજીવનનો મુખ્ય ઉપયોગ પરમાત્માની પ્રાપ્તિ માટે જ છે. એનો ઉપયોગ એને માટે થાય એમાં જ એની સફળતા અને સાર્થકતા છે.
छन्दांसि यज्ञाः क्रतवो व्रतानि भूतं भव्यं यच्च वेदा वदन्ति ।
अस्मान् मायी सृजते विश्वमेतत्तस्मिंश्चान्यो मायया सन्निरुद्धः ॥९॥
આ શ્લોકમાં પરમાત્મા તથા જીવાત્મા પર વધારે પ્રકાશ પાડવામાં આવ્યો છે. પરમાત્મા સર્વશ્રેષ્ઠ છે. સંપૂર્ણ સૃષ્ટિને રચે છે. વેદના વિવિધ મંત્રો, યજ્ઞો, જ્યોતિષ્ટોમ જેવા વિશેષ યજ્ઞો, વ્રતો, નિયમો અને વેદમાં વર્ણવાયેલું ને બીજુ ભૂત, વર્તમાન, ભવિષ્યકાળનું જગત - સર્વકાંઇ એ પરમાત્માના આશ્રયે રહે છે ને પરમાત્મામાંથી જ પ્રકટે છે. પરમાત્મા જ એમના નિયંતા છે. સર્વનું સર્જન કરવા છતાં અને સૌના સૂત્રધાર હોવા છતાં એ સૌથી અલિપ્ત છે, કશામાં બંધાતા નથી. પરંતુ જીવાત્માના સંબંધમાં એવું નથી સમજવાનું. જીવાત્મા માયાથી બંધાયેલો હોઇને પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. એને લીધે શોક-મોહ, ભય-બંધન, અવિદ્યા અને અશાંતિનો અનુભવ કરે છે.

No comments:

Post a Comment