Friday 21 December 2012

CHAMPAKLAL GURU

मायां तु प्रकृतिं विद्यान्मायिनं च महेश्वरम् ।
तस्यवयवभूतैस्तु व्याप्तं सर्वमिदं जगत् ॥१०॥
માયા એટલે પરમાત્માની પરમશક્તિરૂપી પ્રકૃતિ. પરમાત્મા એના સ્વામી અથવા અધીશ્વર હોવાથી માયાપતિ કે મહેશ્વર કહેવાય છે. એ બંને અલગ અલગ છે. જગત પ્રકૃતિના અંગભૂત કાર્યકારણભાવના નિશ્ચિત નિયમોને અનુસરીને ચાલે છે, એની અંદર કર્મની ચોક્કસ નિયમાવલિ કામ કરે છે.

यो योनिं योनिमधितिष्ठत्येको यस्मिन्निदाम् सं च विचैति सर्वम् ।
तमीशानं वरदं देवमीड्यं निचाय्येमां शान्तिमत्यन्तमेति ॥११॥
માનવને સનાતન શાંતિ કેવી રીતે મળી શકે ? પરમાત્માને જાણી લેવાથી જ. એના સિવાય શાંતિ પ્રાપ્તિનો બીજો કોઇ માર્ગ નથી. એ અભિપ્રાયને ઉપનિષદ ફરીવાર અહીં કહી બતાવે છે. એ પરમાત્મા સઘળી યોનિના - સમસ્ત સૃષ્ટિના મૂળાધાર અથવા મૂળભૂત કારણ છે. સર્વસૂત્રધાર અથવા નિયંતા છે. સમસ્ત સંસાર એમની અંદરથી પ્રાદુર્ભાવ પામે છે અને એમનામાં વિલીન બને છે. એ જ એકમાત્ર સ્તુતિ કરવા યોગ્ય છે. એમના અલૌકિક અનુગ્રહથી જીવ બદ્ધાવસ્થામાંથી છૂટીને મુક્ત બને છે ને સર્વવિધ કલ્યાણ કરે છે.

यो देवानां प्रभवश्चोद्भवश्च विश्वाधिपो रुद्रो महर्षिः ।
हिरण्यगर्भं पश्यत जायमानं स नो बुद्ध्या शुभया संयुनक्तु ॥१२॥
સદબુદ્ધિ સાંપડે નહીં ત્યાં સુધી જીવનનું પરમ કલ્યાણ કેવી રીતે થઇ શકે ? જીવનના શ્રેયને માટે જે સદાચારની આવશ્યકતા છે તેની સિદ્ધિ પણ સદબુદ્ધિ વિના કદાપિ ના થઇ શકે. એટલા માટે અહીં સદબુદ્ધિની પ્રાર્થના કરતા કહેવામાં આવે છે કે પરમાત્મા કૃપા કરીને અમને સદબુદ્ધિથી સંપન્ન કરો. એ સદબુદ્ધિની મદદથી અમે સદા સત્યપરાયણ બનીશું અને સત્યનો સાક્ષાત્કાર કરીશું. એ સદબુદ્ધિને પ્રદાન કરનારા પરમાત્મા સૌથી શ્રેષ્ઠ ઋષિ, જ્ઞાની, સર્વજ્ઞ અથવા સર્વાંન્તર્યામી છે. દેવોને ઉત્પન્ન કરનારા ને વધારનારા છે. હિરણ્યગર્ભની પણ પહેલાંના છે. જડચેતનાત્મક સમસ્ત સંસારના સ્વામી, શાસક અથવા નિયંતા છે.

यो देवानामधिपो यस्मिन्ल्लोका अधिश्रिताः ।
य ईशे अस्य द्विपदश्चतुष्पदः कस्मै देवाय हविषा विधेम ॥१३॥
આરાધના પણ પરમાત્મા સિવાય બીજા કોની કરવાની હોય ? આ અવનીમાં એ જ એકમાત્ર પરમ આરાધ્ય છે. એમની આરાધનામાં જ જીવનની સાચી સુખાકારી શાંતિ તથા સફળતા સમાયેલી છે. જે જીવ એમને ભૂલીને પ્રકૃતિની આરાધના કરે છે ને પ્રકૃતિમાં આસક્ત બને છે તે દુઃખી થાય છે. પરમાત્મા દેવોના અધિશ્વર છે. સમસ્ત સૃષ્ટિ પર શાસન કરે છે. પરમાનંદ સ્વરૂપ છે. લોકલોકાંતરને આશ્રય આપનારા છે. અમે એમના શ્રીચરણે સમસ્ત જીવનને સમર્પીને સમસ્ત જીવન દ્વારા, શ્વાસોશ્વાસે, એમની જ આરાધના કરવાનો નિર્ણય કરીએ. એનો સંકલ્પ સુખદાયક છે.

सूक्ष्मातिसूक्ष्मं कलिलस्य मध्ये विश्वस्य स्रष्ठारमनेकरूपम् ।
विश्वस्यैकं परिवेष्टितारं ज्ञात्वा शिवं शान्तिमत्यन्तमेति ॥१४॥
પરમાત્મા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. વિશ્વના રચયિતા છે, અસંખ્ય નામ તથા રૂપવાળા, વિશ્વની અંદર બહાર બધે જ વ્યાપક, હૃદયપ્રદેશમાં વિરાજમાન, એક અથવા અનન્ય અને પરમ કલ્યાણસ્વરૂપ છે. એમના સાક્ષાત્કારથી જ સનાતન શાંતિની પ્રાપ્તિ થાય છે.

स एव काले भुवनस्य गोप्ता विश्वाधिपः सर्वभूतेषु गूढः ।
यस्मिन् युक्ता ब्रह्मर्षयो देवताश्च तमेवं ज्ञात्वा मृत्युपाशांश्छिनत्ति ॥१५॥
આ શ્લોક પણ પરમાત્માના સાક્ષાત્કારની ફળશ્રુતિ જેવો છે. પરમાત્માના સાક્ષાત્કારનું પરિણામ કેટલું સુંદર અને ઉત્તમ આવે છે તે બતાવતાં ઋષિ જણાવે છે કે એથી અમૃતમય બનાય છે અથવા મૃત્યુના બંધનોમાંથી મુક્ત થવાય છે. જીવન સર્વપ્રકારે ને સંપૂર્ણપણે ધન્ય બને છે. જીવનની પરમ ધન્યતાનો એના સિવાય બીજો કોઇ માર્ગ જ નથી. એ પરમાત્મા સમસ્ત સૃષ્ટિના સ્વામી, સૂત્રધાર કે સંરક્ષક છે. સૌની અંદર રહેલા છે અથવા સર્વવ્યાપક છે. મોટામોટા મુનિ, મહર્ષિ અને તપસ્વીઓએ એમની સાથે પવિત્ર શ્રદ્ધાભક્તિ, જ્ઞાન, ધ્યાનાદિ સાધનાની મદદથી પોતાનો સંબંધ બાંધ્યો છે. એ સંબંધ એમને માટે કલ્યાણકારક થયો છે. સૌએ એવો સંબંધ બાંધવો જોઇએ.

घृतात् परं मण्डमिवातिसूक्ष्मं ज्ञात्वा शिवं सर्वभूतेषु गूढम् ।
विश्वस्यैकं परिवेष्टितारं ज्ञात्वा देवं मुच्यते सर्वपाशैः ॥१६॥
પરમાત્મા માખણના સારભાગની જેમ સૌના સારરૂપ છે, સૂક્ષ્માતિસૂક્ષ્મ છે, એક છે, અનન્ય અથવા અનુત્તમ અને સૌથી શ્રેષ્ઠ છે. એમની અંદર કોઇપણ પ્રકારના અકલ્યાણની સહેજ પણ કલ્પના નથી કરી શકાય તેમ. એ પરમ કલ્યાણરૂપ છે. સર્વત્ર વિસ્તરેલા હોવા છતાં એટલા બધા ગુપ્ત રીતે રહેલા છે, કે સહેલાઇથી અને પ્રથમ નજરે જોઇ કે જાણી શકાતા નથી. જે અવિદ્યાનાં અનેકવિધ અશાંતિજનક બંધનોમાંથી મુક્તિ મેળવીને જીવનને પરમ પવિત્ર, પરમસુખમય, પ્રશાંત અને કૃતાર્થ કરવા માગે છે એ એમને ઓળખે. એમને ઓળખવાનો પ્રામાણિક પ્રયત્ન કરે. એના સિવાય બીજો કોઇ જ માર્ગ નથી.

एष देवो विश्वकर्मा महात्मा सदा जनानां हृदये सन्निविष्टः ।
हृदा मनीषा मनसाभिक्लृप्तो य एतद् विदुरमृतास्ते भवन्ति ॥१७॥
પરમાત્મા સૃષ્ટિના સર્જક, સ્વામી, સૌથી શ્રેષ્ઠ, મહાનથી પણ મહાન છે. એમને ઓળખવા માટે બહારના જગતમાં ફાંફા મારવાની જરૂર નથી. જે પરમાત્મા બ્રહ્માંડમાં છે તે પિંડમાં છે. માનવના હૃદયપ્રદેશમાં આત્મારૂપે રહેલા છે. એમના સ્વાનુભવ અથવા સાક્ષાત્કારને માટે અંતર્મુખ વૃતિને વધારીને ધ્યાન કરવું જોઇએ. ધ્યાનની સાધનામાં વધારે ને વધારે ઉંડા ઉતરવાથી છેવટે એમનો અપરોક્ષ અનુભવ થાય છે અને અમૃતમય થવાય છે.

यदाऽतमस्तान्न दिवा न रात्रिः न सन्नचासच्छिव एव केवलः ।
तदक्षरं तत् सवितुर्वरेण्यं प्रज्ञा च तस्मात् प्रसृता पुराणी ॥१८॥

પરમાત્મા દિવસ તથા રાતની અસરોથી મુક્ત છે. એ દર્શાવતાં જણાવે છે કે ધ્યાનની સતત સાધના દ્વારા સાધક અતિન્દ્રિય અવસ્થામાં પ્રવેશીને પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે ત્યારે એ વખતે દિવસ કે રાતના સ્થૂળ ભેદ નથી હોતાં. પરમાત્મા સ્વયં પ્રકાશ હોવાથી એમને પ્રકાશવા માટે દિવસની અને એના સ્વામી સૂર્યની આવશ્યકતા નથી હોતી. એમની પાસે રાત પણ નથી પહોંચતી. એ સત્ય અને અસત્ય બંનને પ્રકારની ઉપાધિથી પર છે. કોઇપણ પ્રકારના ગુણ કે ધર્મની મર્યાદા વિશેષમાં બંધાયેલા નથી. પરમ પવિત્ર, એકાકી અને કલ્યાણરૂપ છે. એમનો કદી, કોઇ સ્થળે, કોઇ કારણે નાશ થતો નથી અથવા અંત આવતો નથી. એ સૂર્યાદિમાં જે દૈવી શક્તિ છે એથી પણ શ્રેષ્ઠ છે. એ શક્તિ એમની અનંત અસીમ શક્તિના અલ્પ અંશ જેવી છે. એમની અંદર પરમજ્ઞાન રહેલું છે. એ પરમજ્ઞાનના મૂર્તિમંત સ્વરૂપ છે. એમનામાં અવિદ્યારૂપી અંધકારનો લેશ પણ નથી

.नैनमूर्ध्वं न तिर्यञ्चं न मध्ये न परिजग्रभत् ।
न तस्य प्रतिमा अस्ति यस्य नाम महद् यशः ॥१९॥

એ પરમાત્મા અવયવરહિત, શરીરરહિત હોવાથી એમને કોઇ માપી શકતું નથી. ઉપરથી, નીચેથી, વચ્ચેથી કે આજુબાજુથી પરિપૂર્ણપણે પકડી શકતું નથી. એમનો મહિમા તથા યશ ખૂબ જ મોટો, અજોડ અને અનુત્તમ છે. એમની બરાબરી કરી શકે એવું, એમનું સમકક્ષ સંસારમાં બીજું કોઇ જ નથી. એ સર્વોત્તમ કે લોકોત્તર છે.

न संदृशे तिष्ठति रूपमस्य न चक्षुषा पश्यति कश्चनैनम् ।
हृदा हृदिस्थं मनसा य एनमेवं विदुरमृतास्ते भवन्ति ॥२०॥
એ પરમાત્માને સ્થૂળ, મલિન, વાસનાયુક્ત, ચર્મચક્ષુથી કોણ જોઇ શકે ? કોઇપણ નહિ. એમના દર્શન માટે તો સ્થૂળને બદલે સૂક્ષ્મ અને પ્રાકૃતને બદલે દિવ્ય દૃષ્ટિની જ આવશ્યકતા હોય છે. ભક્તિભાવથી ભરેલા, નિર્મળ મનના સત્પુરુષો એમના અલૌકિક અનુગ્રહથી એમની ઝાંખી કરી શકે છે. એ પરમાત્મા હૃદયપ્રદેશમાં વિરાજે છે. ત્યાં સાધના દ્વારા એમના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાથી જીવન શાંતિથી સંપન્ન, સુખમય અને અમૃતમય બને છે.

अजात इत्येवं कश्चिद्भीरुः प्रपद्यते ।
रुद्र यत्ते दक्षिणं मुखं तेन मां पाहि नित्यम् ॥२१॥
જે જન્મમરણને આધીન, અલ્પ અને સંસારગ્રસ્ત છે તે બીજા જીવોની રક્ષા કેવી રીતે કરી શકે ? પરમાત્મા અજન્મા અને પૂર્ણ તથા સર્વસમર્થ હોવાથી શરણાગતની રક્ષા સારી રીતે કરી શકે છે અને કરે છે. એ સદા મંગલમય હોવાથી બીજાનું મંગલ કરે છે. એટલા માટે એમની પ્રાર્થના કરતાં કહેવામાં આવે છે કે હે પ્રભુ ! હે સર્વસંહારક રુદ્ર ! મેં તમારું શરણ લીધું છે. તમારી સંહારક શક્તિનો પ્રયોગ કરીને મારી નિર્બળતા, અશાંતિ અને અવિદ્યાનો નાશ કરો અને સંસારના વિષયોમાંથી મારી રક્ષા કરીને મારું સર્વપ્રકારે કલ્યાણ કરી દો.

मा नस्तोके तनये मा न आयुषि मा नो गोषु मा न अश्वेषु रीरिषः ।
वीरान् मा नो रुद्र भामितो  वधीर्हविष्मन्तः सदामित् त्वा हवामहे ॥२२॥
આ પ્રાર્થના ભૌતિક વસ્તુઓની રક્ષાના ભાવોથી ભરેલી છે. જીવનમાં ભૌતિક કે સાંસારિક સુખાકારીના પણ આવશ્યકતા તો છે જ. એની ઉપેક્ષા ના કરી શકાય. એટલા માટે કહેવામાં આવે છે કે હે પ્રભુ ! અમે તમારે શરણે આવીને તમને પ્રાર્થીએ છીએ. તમે અમારા પર કદી કુપિત થશો નહીં. તમારી કૃપાથી અમારા પુત્ર-પૌત્રો, અમારી ગાયો અને અમારા અશ્વો દીર્ઘાયુ બને, એમનો નાશ ના થાય અને અમારા વીરપુરુષો પણ વિજયી બને તથા સુદીર્ઘ, સુખી, સ્વસ્થ જીવન વ્યતીત કરે. અમારું સર્વકાંઇ તમારાથી સદા માટે રક્ષાયેલું રહે.

No comments:

Post a Comment