Saturday 5 January 2013

CHAMPAKLAL GURU

ॐ भद्रं कर्णेभिः श्रुणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः ।
स्थिरैरङ्गैस्तुष्टुवाँसस्तनूभिर्व्यशेम देवहितं यदायुः ॥स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः ।
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॥ॐ शान्तिः । शान्तिः । शान्तिः ॥
અમે કાનથી મંગલ સુણિયે, આંખે જોઈએ મંગલ,
પૂજન કરતાં પરમેશ્વરનું અમે કામ કરિયે મંગલ;
સુદૃઢ કાયાથકી આયુને ભોગવિયે પ્રભુને માટે,
સુદૃઢ અંગ હરેક કરીને વાપરિયે પ્રભુને કાજે.જેનો યશ સઘળે છે વ્યાપ્યો એવા ઈન્દ્ર વળી પૂષા,
અનિષ્ટહર્તા ગરૂડ સર્વે પ્રભુનાં દૈવીરૂપ સમા,
તે કલ્યાણ અમારું કરજો, એજ એક ઈચ્છા અમને,
કૃપા તેમની પામી મન આ પરમેશ્વરને માર્ગ વળે.ૐ શાંતિઃ । શાંતિઃ । શાંતિઃ ॥
પ્રશ્ન ઉપનિષદ પણ બીજાં બધાં જ મહત્વનાં ઉપનિષદોની પેઠે શાંતિપાઠથી જ શરૂ થાય છે. માનવના નિર્મળ ને ભાવમય હૃદયમાં રહેલી મંગલમય ને પ્રભુમય જીવન જીવવાની ભાવના તેના શાંતિપાઠમાં પ્રકટ થાય છે. ઋષિ કહે છે કે દેવતા કે પરમાત્માએ નક્કી કરેલું આયુષ્ય અમે ભોગવીએ. એ શબ્દોમાં પ્રભુપરાયણતા ને સમર્પણતાની સુવાસ દેખાય છે. પરંતુ એ આયુષ્ય અમંગલ હોય તો ? તો તો જીવવાનો આનંદ ભાગ્યે જ મળે ને તેવા જીવનમાં રસ કે સાર પણ ભાગ્યે જ રહે. જીવન થોડું હોય કે વધારે ને લાંબુ હોય કે ટૂંકું તેના કરતાં કેવા સ્વરૂપનું છે તે મુદ્દો વધારે મહત્વનો છે. જો તે ગંગાના નીર જેવું નિર્મળ ને સુમનસમું સુવાસિત હોય તો તો સદાને સારું પોતાને તથા બીજાને માટે આશીર્વાદરૂપ થઈ પડે. તેથી ઊલટું, તે અશુદ્ધિ, અનાચાર ને અધર્મનું  ઘર હોય તો પોતાને તથા બીજાને નુકસાનકારક ને અભિશાપરૂપ  થઈ જાય. તેથી જ શાંતિપાઠમાં ઋષિ ઉત્તમ જીવનની પ્રાર્થના કરે છે. શરીર, મન ને ઈન્દ્રિયોની પ્રવૃત્તિને પવિત્ર તથા આત્મોન્નતિની મહાન સાધનામાં સહાયક કરી જીવનને મંગલમય કરવાની કામના કરે છે. ઋષિ ભાવના કરે છે કે હે પ્રભુ ! કાનથી અમે જે કલ્યાણકારક છે તે જ સાંભળીએ; આંખ દ્વારા બધે તમારી લીલા ને તમારા વિશ્વરૂપનું દર્શન કરીએ; શરીરને નીરોગી ને દ્રઢ કરીએ તથા તેની મદદથી તમારી પ્રસન્નતા થાય તેવાં કામ કરતા કહીએ; એ રીતે મંગલતાની મૂર્તિ થઈને અમે તમારા મહાન ઉપહાર જેવા આ જીવનને ભોગવીએ. ઈંદ્ર ને બીજા રૂપે રહેલા તમે અમારું કલ્યાણ કરો.
પૂર્વભૂમિકા
મંગલમય જીવનની એવી ઉત્તમ ભાવનામાં સ્નાન કરવાનો આપણને પણ આનંદ આપીને આ ઉપનિષદ આગળ વધે છે. ઉપનિષદના નામ પ્રમાણે આ પ્રશ્ન ને ઉત્તરનું જ ઉપનિષદ છે તેમાં જુદાજુદા જિજ્ઞાસુ તરફથી પુછાયેલા છ પ્રશ્નો ને તેના ઉત્તરો છે. શરૂઆતમાં જ આપણી જિજ્ઞાસા શાંત કરતાં કહેવામાં આવે છે કે પિપ્પલાદ નામે એક મહર્ષિ હતા. તે બ્રહ્મજ્ઞાની હતા. તેમની પાસે જુદાજુદા છ જીજ્ઞાસુ હાથમાં સમિધ લઈને ગયા. તે બધા પરમાત્માનું ચિંતન કરનારા ને પરમાત્મામાં શ્રદ્ધા રાખનારા હતા. તે છ જિજ્ઞાસુ આ પ્રમાણે હતા − (૧) ભરદ્વાજનો પુત્ર સુકેશા (૨) શિબિનો પુત્ર સત્યકામ (૩) ગર્ગ ગોત્રનો સૌર્યાયણી−સૂર્યનો પૌત્ર (૪) અશ્વલનો પુત્ર કૌસલ્ય (૫) વિદર્ભ દેશનો ભાર્ગવ ને (૬) કત્યનો પ્રપૌત્ર કબંધી.
તે બધા ઋષિની પાસે પહોંચ્યા એટલે ઋષિએ તેમને તપ, બ્રહ્મર્ચય ને શ્રદ્ધા સાથે એક વરસ રહેવાની ને તે પછી જે પૂછવું હોય તે પૂછવાની આજ્ઞા કરી. વળી કહ્યું કે જો હું જાણતો હોઈશ તો તમને સારી રીતે સમજાવીશ. ઋષિના એ શબ્દો બરાબર મનન કરવા જેવા છે. જ્ઞાન મેળવવા માટે ઋષિએ છ જિજ્ઞાસુઓને એક વરસ વિધિપૂર્વક     રહીને રાહ જોવાની સલાહ આપી. તેમાંથી એક સાર એ નીકળે છે કે આત્મજ્ઞાન કેવળ વાતોનો કે ચર્ચાનો વિષય નથી, તેની સાથે કેટલીક જરૂરી ધીરજ ને સાધના પણ સંકળાયેલી છે. બીજી વાત એ કે એક વરસ તપ ને શ્રદ્ધાપૂર્વક રહેવાથી નવો વિકાસ થાય, અજ્ઞાન દૂર થાય, લાયકાત વધે ને પ્રશ્નોના કેટલાક ઉત્તર અંતરમાંથી જ આપોઆપ મળી જાય. જ્ઞાનની કિંમત પણ સમજાય.
આજે તો વખત બદલાયો છે ને જ્ઞાન પ્રમાણમાં અત્યંત સુલભ થયું છે. બાકી આજે ચર્ચાજ્ઞાન વધ્યું છે. તેવા માણસોને વરસ કે છ મહિના તો શું પણ એક દિવસે રાહ જોવાનું ને તપ કરીને તૈયાર થવાનું કહેવામાં આવે તો ભૂલેચૂકે લાવેલી સમિધા પાછી લઈને તે તો ચાલતા જ થાય. માણસને મોટે ભાગે ફળ જોઈએ છે પણ તેની કિંમત ચૂકવવાનું નથી ગમતું. ચૂકવવી જ પડે તો ન છૂટકે ઓછામાં ઓછી કિંમત ચૂકવવા તે તૈયાર હોય છે. હા, કોઈ કોઈ સાચા જિજ્ઞાસુ ને સત્યના શોધક પણ હોય છે, ને જ્ઞાનને માટે તે ગમે તેવો મોટો કે નાનો ભોગ આપવા તૈયાર રહે છે. ઉપર કહેલા છ જિજ્ઞાસુ સાચા જિજ્ઞાસુ હતા. તેથી તેમણે ઋષિની શરત કબૂલ રાખી ને ઋષિના આશ્રમમાં શાંતિપૂર્વક રહેવા માંડ્યા.
ઋષિ પણ કેવા નમ્ર ને સરળ છે તેની ખાતરી તેમનાં ટૂંકાં પણ સચોટ વચન પરથી સહેજે થઈ રહે છે. તે કહે છે કે હું જાણતો હોઈશ તો તમને બરાબર ઉત્તર આપીશ. તેમાં તેમની નિખાલસતા, નમ્રતા ને પ્રામાણિકતા ટપકે છે. અનુભવી ને પરમાત્માદર્શી પુરૂષો એવા જ નિખાલસ ને સરળ હોય છે. તેથી તો તેમને શિશુની સાથે સરખાવવામાં આવ્યા છે. ગુરૂ સાચેસાચ એ અર્થમાં શાંતિદાતા છે. સંશયને દૂર કરીને તે અજ્ઞાનમાંથી મુક્તિ આપે છે તેથી મુક્તિદાતા પણ છે. તેવા તારણહાર ગુરૂની પાસે તદ્દન નમ્રતા ને સરળતાથી તથા જિજ્ઞાસુ ભાવે જવાની જરૂર છે. દંભ ને પૂર્વગ્રહથી પ્રેરાઈને તેમની પાસે જનારને કાંઈ જ નહિ મળે, તેનો ફેરો ફોગટ જશે. દોષદ્રષ્ટિને લઈને નહિ પરંતુ ગુણગ્રાહકતાથી પ્રેરાઈને જ તેવા મહાપુરૂષનો સમાગમ કરવો જોઈએ.
માણસ પાસે સૌની અંદરથી સાર લેવાની કળા હોય તો આ પૃથ્વીનો પ્રત્યેક પદાર્થ તેને માટે પ્રજ્ઞાનું પરમ પુસ્તક બનીને પદાર્થપાઠ આપવા પૂરતો થઈ પડે છે. દત્તાત્રેયના ચોવીસ ગુરૂની કથામાં આ વાત સારી રીતે સમાવવામાં આવી છે. તો પછી મહાપુરૂષો પાસેથી તો તેને શિક્ષણનો કેવો કિંમતી ભંડાર મળી શકે ! પણ તે માટેની જરૂરી રુચિ ને દ્રષ્ટિ જોઈએ. બાકી અહંકારી, અક્કડ, દોષદર્શી ને નિંદાખોર માણસને કાંઈ જ નથી મળી શકતું. સૂર્યની સામે ઘરનાં બારી બારણાં બંધ કરનાર માણસ જેમ હાથે કરીને અંધારામાં અટવાય છે, ને ફૂલની ફોરમથી ભરેલા વિશાળ બગીચામાં નાક બંધ કરીને બેઠેલો માણસ જેમ વિના કારણ સુવાસથી વંચિત રહે છે, તેમ તેવો માણસ મહાપુરૂષની પાસે જાય તથા વસવાટ કરે તોપણ તેને કશું નથી મળી શકતું. ‘ઊંડો કૂવો ને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક’ જ્ઞાની કવિ અખાની એ પંક્તિ પ્રમાણે તેવા માણસનો મહાપુરૂષનો સમાગમ ફોક જ નીવડે છે.
પરંતુ પિપ્પલાદ ઋષિની પાસે આવેલા જિજ્ઞાસુ સાચા હતા. જ્ઞાનના તે પરમ પિપાસુ અથવા ગ્રાહક હતા. તેથી તેમણે ઋષિની આજ્ઞાનુસાર એક વરસ શ્રદ્ધા ને તપપૂર્વક પસાર કર્યું ને પછી ક્રમેક્રમે મહર્ષિ પાસે આવીને પોતાનું દિલ ખોલવા માંડ્યું.
પહેલો પ્રશ્ન − પ્રજાની ઉત્પત્તિ વિશે
સૌથી પહેલા જિજ્ઞાસુ કાત્યાયન કબંધીએ ઋષિ પાસે આવીને પૂછ્યું: ‘ પ્રભુ, આ બધી પ્રજાની ઉત્પત્તિ ક્યાંથી થાય છે ?’
ઋષિને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો તેના બે ભાવ લઈ શકાય છે : એક તો એ કે પ્રજાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે ને બીજું, પ્રજાની ઉત્પત્તિ કોનામાંથી કે કોની દ્વારા થાય છે.
ઋષિ તેનો ઉત્તર આપતાં કહે છે : ‘પ્રજાપતિ બ્રહ્માને પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છા થઈ. તેમણે તપ કર્યું. તપ દ્વારા તેમણે એક જોડકું ઉત્પન્ન કર્યું : રચિ ને પ્રાણ. તે જ સૂર્ય ને ચન્દ્ર છે. પછી તેમણે વિચાર્યું કે તે બે તેમને માટે અનેક પ્રકારની પ્રજાની ઉત્પત્તિ કરશે. એ સૂર્ય જ બધે પ્રાણ અથવા જીવનનો સંચાર કરે છે. તેનાં કિરણો બધી દિશામાં પ્રવેશ કરીને સૌને પ્રકાશિત કરે છે ને પ્રાણ ધરે છે. તે સૂર્ય સર્વરૂપ, કિરણોવાળો, સર્વ લોકોને જાણનાર, અંતિમ ધ્યેયરૂપ ને એક માત્ર પ્રકાશરૂપ છે. તે પ્રજાના પ્રાણરૂપ છે. તપ, બ્રહ્મચર્ય, શ્રદ્ધા ને વિદ્યાથી આત્માને મેળવવા માગનારા સાધકો ઉત્તરમાર્ગ દ્વારા સૂર્યલોકમાં જાય છે. એ જ પ્રાણોનું મૂળ સ્થાન છે, અમૃત છે, પરમપદ ને નિર્ભય સ્થાન પણ તે જ છે. તે માર્ગે જનારા ત્યાંથી પાછા નથી આવતા. પરંતુ જે દક્ષિણાયન દ્વારા ચંદ્રલોકમાં જાય છે તે અહીં પુનર્જન્મ લઈને પાછા આવે છે.’
ઉત્તરાયણ ને દક્ષિણાયનની જે ભાવના આપણને ગીતામાં જોવા મળે છે તે આ ઉપનિષદમાં પણ આ રીતે સમાયેલી છે તે ખાસ નોંધપાત્ર છે. ઋષિ કહે છે કે કેટલાક ઋષિઓ એ સૂર્યને પાંચ પગવાળા, વરસાદ વરસાવતા, બાર આકૃતિવાળા, ઉપલા અર્ધા ભાગમાં રહેલા પ્રજાના પિતા તરીકે વર્ણવે છે. બીજા કેટલાક ઋષિ તેને સાત ચક્ર ને છ આરાવાળા રથમાં બેઠેલા ને બધી તરફ જોતા દેવ તરીકે વર્ણવે છે.
આની સમજ વિચારકોએ પોતપોતાની શક્તિ પ્રમાણે પૂરી પાડી છે. તે રીતે સમજવાથી ઉપર્યુક્ત કથનનો સાર સમજી શકાય છે. તે સમજ આ પ્રમાણે છે :
    સૂર્યના પાંચ પગ એટલે પાંચ ઋતુ : ૭૨-૭૨ દિવસની એક ઋતુ એવી રીતે વરસની પાંચ ઋતુ : હેમંત ને શિશિરને એક જ ઋતુ સમજવાની.
    સૂર્યની બાર આકૃતિ : દરેક મહિનામાં સૂર્યની જુદીજુદી આકૃતિ થાય છે એમ કહેવાય છે તેથી તેને બાર આદિત્ય પણ કહે છે. તે અનુક્રમે ચૈત્ર મહિનાથી શરૂ કરીને ગણતાં ધાતા, અર્યમાં, મિત્ર, વરુણ, ઈન્દ્ર, વિવસ્વાન, ત્વષ્ટા, વિષ્ણુ, અંશુ, ભગ, પૂષા ને પર્જન્ય છે.
    સૂર્યનો સાત ચક્રવાળો રથ : ગાયત્રી, ત્રિષ્ટુપ, ઉષ્ણિક, અનુષ્ટુપ, બહતી, પંક્તિ ને જગતીરૂપ સાત વૈદિક છંદોરૂપી સાત ચક્રો : તેથી ચાલતો રથ. તેમ જ
    રથના છ આરા તે છ ઋતુઓ, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત ને શિશિર.
ઋષિઓ કહે છે કે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે માણસે તપ કરવાની, કપટ, જૂઠ ને શઠતાથી મુક્ત થવાની ને બ્રહ્મચર્યનું પાલન કરવાની જરૂર છે. તેની સાથેસાથે તે એક બીજી નોંધપાત્ર ને ધ્યાન ખેંચે તેવી વાત પણ કહી દે છે. તે કહે છે કે દિવસના ભાગમાં જે સ્ત્રીસંબંધ કરે છે તે પ્રાણનું સ્ખલન કરે છે. રાતના ભાગમાં સ્ત્રીસંબંધ કરનાર બ્રહ્મચર્ય જ પાળે છે.’
તેનો અર્થ એવો નથી કે રાતે રોજરોજ સ્ત્રીસંબંધ કરવાની ઋષિ છૂટ આપે છે. માણસ દિવસનો ત્યાગ કરી રાતે શરીરસંબંધ કરે ને ધીરેધીરે રાતના ક્રમને પણ ઓછો કરી પૂર્ણ સંયમ તરફ ને પ્રભુમય પ્રેમ તરફ વળે એ ધ્યેય આપણે ત્યાં બતાવવામાં આવેલું છે જ, ને માણસે તે તરફ આગળ વધવાનો પ્રયાસ કરવાનો રહે છે. એટલે શરીરસંબંધની આ સૂચના કામચલાઉ ને અધિકારભેદ પૂરતી જ સમજવાની છે. તેને જીવનના આખરી ધ્યેયરૂપ નથી માનવાની.
બીજી મહત્વની વાત એ છે કે સ્ત્રી ને પુરૂષનો પ્રેમ અથવા દાંપત્યજીવન આત્મોન્નતિ કે ઈશ્વરદર્શનમાં બાધારૂપ છે એવી માન્યતા કેટલાક લોકોમાં પ્રચલિત છે તે પાયા વિનાની ને સત્યથી વેગળી છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી. કોઈને માટે તેવો પ્રેમ ને તેવું જીવન નડતરરૂપ થયું હોય તેનો અર્થ એવો નથી કે સૌને માટે તે નડતરરૂપ જ થાય છે ને થશે. કેટલેક ઠેકાણે સ્ત્રી ને શરીરની વધારેપડતી ઘૃણા કરવામાં આવી છે ને નરકની સાથે સરખામણી પણ થઈ છે; તેથી માણસની મમતા ને આસક્તિ ઓછી થતી હોય તો તો સારું, પરંતુ તેને પરિણામે તે તે વસ્તુને તિરસ્કારવાની ને, તેનામાં જે ઉચ્ચતા ને ઉપકારકતા છે તેની ઉપેક્ષા કરવાની વૃત્તિ પેદા થાય તો તેથી લાભને બદલે હાનિ જ વધારે છે.
સ્ત્રીપુરૂષનો પારસ્પરિક પ્રેમ ને દાંપત્યજીવન જીવનને અનેક રીતે મદદરૂપ છે; તેનું સ્વરૂપ વિવેકી, નિર્મળ ને સંયમની સુવાસવાળું બનાવી શકાય તો પ્રભુના સાક્ષાત્કારમાં તે જરાય નડતરરૂપ નથી બલકે મદદરૂપ જ થઈ પડે છે. આપણે લગ્નજીવનને ને પ્રેમસંબંધને વધારે ને વધારે ભાવનામય ને નિર્મળ કરવાની જરૂર છે એટલું જ. એટલે બ્રહ્મચર્ય કે પવિત્રતાને નામે સંસારની આ સહજતા ને વિશેષતાને વગોવવાની જરૂર નથી; ફક્ત તેનો સદુપયોગ કરતાં શીખવાની જરૂર છે. તેથી જ ભારતીય સંસ્કૃતિમાં લગ્ન, પ્રેમ ને ગૃહજીવનને વખાણવામાં આવ્યાં છે; ગૃહસ્થાશ્રમનાં ગુણગાન ગાયાં છે.
વૈદિક ઋષિઓ મોટો ભાગે પરણેલા જ હતા. છતાં વિવેકી હોવાથી સાધનામાં પ્રવીણ પણ હતા. કૃષ્ણ, રામ, શંકર જેવાં ઈશ્વરી રૂપોને પણ રાધા, સીતા ને પાર્વતીની સાથે જ પૂજવામાં આવે છે. તેમનાં મંદિર પણ થાય છે. કૃષ્ણે રાધાના કંઠની આસપાસ હાથ વીંટ્યો હોય તેવી મૂર્તિ પણ મંદિરોમાં ઘણી છે તે પૂજાય છે. રામના ખોળામાં સીતા ને શંકરના ખોળામાં પાર્વતી બેઠાં છે તેવાં વર્ણન ધર્મગ્રન્થોમાં વારંવાર આવે છે ને તેની કોઈને ઘૃણા નથી થતી. પરંતુ જીવનમાં ધર્મ, વૈરાગ્ય ને સાધનાને નામે આપણે વારંવાર પ્રેમની પવિત્ર ભાવનાનો તિરસ્કાર ને સ્નેહના શુદ્ધ સમજયુક્ત સંબંધોની નિંદા કરીએ છીએ એ આપણું અજ્ઞાન જ છે. માનવના સહજ સ્વભાવની ને સ્નેહથી જ ઊછરતી ને સ્નેહમાં જ વિહરતી સૃષ્ટિના ક્રમની તે વિરુદ્ધ છે. અધકચરી દશામાં પોતાની રક્ષા કે સલામતી ખાતર કોઈ તેથી દૂર રહે અથવા બીજા સારા વાતાવરણ ને જીવનની પ્રાપ્તિ માટે અને ખાસ જરૂર તરીકે કોઈ સ્ત્રી કે પુરૂષ ગૃહજીવનનો કે સ્નેહના બાહ્ય સંબંધનો ત્યાગ કરે તે સમજી શકાય તેમ છે. પરંતુ બધાને માટે તેવો ત્યાગ તદ્દન જરૂરી છે એવો દુરાગ્રહ નકામો છે. સંસારનાં મોટા ભાગનાં સ્ત્રીપુરૂષો એ માર્ગે નહિ વળી શકે. એટલે દ્રષ્ટિ, વૃત્તિ ને સંબંધને વધારે ને વધારે સુધારવા તરફ જ ધ્યાન દોરવાની જરૂર છે.
લગ્નજીવન ખોટું નથી. સ્ત્રીપુરૂષોનો પ્રેમ ને સંબંધ પણ ખોટો નથી. તેને માયા માનીને ધિક્કારવાની જરૂર નથી. તેને વિશુદ્ધ કરવાની ને પ્રભુમય બનાવી પ્રગતિમાં મદદરૂપ કરવાની જરૂર છે. ભારતના ઋષિઓની દ્રષ્ટિ એવી ઉત્તમ ને આદર્શ હતી. તેથી તે મહર્ષિ પરાશર મત્સ્યગંધા કે સત્યવતી સાથે સ્નેહસંબંધ કરીને પણ મહર્ષિ રહી શક્યા. ને વ્યાસ ‘વણપરણેલીના’ હોવા છતાં પૂજ્ય જ નહિ પરંતુ ચોવીસ અવતારમાંના એક થઈ શક્યા. વિશ્વામિત્રે મેનકા સાથે સંબંધ કર્યો છતાં તે તપના પ્રભાવથી બ્રહ્મર્ષિ થયા ને સપ્તર્ષિમાંના એક તરીકે મનાયા. કોઈએ તેમની નિરર્થક ટીકા કે નિંદા ન કરી. તેમના ગુણ ને તેમની યોગ્યતા, તેમનું તપ ને જ્ઞાન જોઈને તેમને મોટા ને નાના સૌએ વંદનીય માન્યા. માણસોનાં મન કેટલાં મોટાં હશે ને તેમના દ્રષ્ટિકોણ કેટલા વિશાળ તેનો વિચાર કરી શકાય તો કરી જોજો. કેમ કે આજે તો દ્રષ્ટિ ને વૃત્તિ બંને ટૂંકી થઈ ગઈ છે. એટલે વિવેક, સંયમ ને પ્રભુપરાયણતાની રક્ષા જ જીવનમાં મહત્વની છે. બધે સ્થળે ને બધા વાતાવરણમાં તેને સાચવવાની  કળામાં માણસે કુશળ થવાની જરૂર છે. એમાંથી આપોઆપ અનાસક્તિ આવી જશે. તે સધાય તો જીવન ધન્ય થાય, સફળ બની જાય.
બીજો પ્રશ્ન - મુખ્ય દેવ વિશે
બીજો પ્રશ્ન વિદર્ભ દેશના ભાર્ગવનો છે. તે મહર્ષિ પિપ્પલાદને પૂછે છે : ‘પ્રભુ, પ્રજાને કેટલા દેવો ધારણ કરે છે ? તેમાંના કેટલા પોતાની શક્તિ પ્રકટ કરે છે તથા તે દેવોમાં મુખ્ય દેવ કોણ છે ?’
તેના ઉત્તરમાં મહર્ષિ કહે છે કે પ્રજાને ધારણ કરનારા દેવો આકાશ, વાયુ, અગ્નિ, જળ ને પૃથ્વી એ પાંચ મહાભૂત તથા વાણી, મન, આંખ, કાન એ ઈન્દ્રિયો છે. તે બધા પોતાની શક્તિ પ્રકટ કરે છે ને કહે છે કે અમે જ આ શરીરને ધારણ કરીએ છીએ તેમ જ ટકાવીએ છીએ.
એકવાર તે સૌની અંદર ચર્ચા ચાલી કે શરીરને કોણ ધારણ કરે છે ને ટકાવે છે. દરેક પોતપોતાની મોટાઈ ને શક્તિનાં ગુણગાન ગાવા માડ્યાં ત્યારે છેવટે પ્રાણે તે બધાને કહ્યું કે તમે મોહમાં પડીને અજ્ઞાનને લીધે તમારી શક્તિનું અભિમાન ન કરો. હું જ મારા પોતાના પાંચ ભાગ કરીને આ શરીરને ટકાવી રાખું છું ને તેને ધારણ પણ કરું છું.
પરંતુ પ્રાણની વાતમાં કોઈને વિશ્વાસ ન બેઠો. તેથી મુખ્ય પ્રાણે શરીરની બહાર નીકળવાની શરૂઆત કરી. પરંતુ પ્રાણ વિના શરીરની બીજી ઈન્દ્રિયો શું કરે ? તે તદ્દન નિર્બળ ને નિષ્ક્રિય તથા ચેતન વિનાની થઈ ગઈ. મધમાખોનો રાજા મધપૂડાની બહાર નીકળે એટલે બધી મધમાખો બહાર નીકળે છે, ને જો મધપૂડામાં રહે તો બધી મધમાખો અંદર રહે છે, તેવી રીતે પ્રાણના બહાર નીકળવાની સાથે જ બધી ઈન્દ્રિયો કે તેના દેવો અશક્ત બની ગયા ને કોઈ જ કામ ન કરી શક્યા. શરીર પણ જડ જેવું થઈ ગયું.
વાસ્તવિક જગતમાં પણ એ જ અનુભવાય છે. શરીરમાં જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી જીવન પણ ટકે છે. પરંતુ પ્રાણ બહાર નીકળ્યા પછી જીવનનું કોઈ પણ ચિહ્ન નથી રહેતું.
ઋષિ કહે છે કે ઈન્દ્રિયોના બધા દેવોએ પ્રાણની શ્રેષ્ઠતા જાણી. તેમને ખાતરી થઈ કે પ્રાણની મહત્તા સૌથી વધારે છે. તેથી તેમનો અહંકાર દૂર થયો ને તે બધા પ્રાણની પ્રશંસા કે સ્તુતિ કરવા માંડ્યા.
પ્રાણને લીધે શરીર, મન ને સમસ્ત બ્રહ્માંડ ટકી રહ્યાં છે. પ્રાણ વિના કશું ઘડીભર પણ ન ટકી શકે. ચર ને અચર, નાના ને મોટા બધા પદાર્થો પ્રાણતત્વને લીધે જ જીવન મેળવે છે. પરંતુ પ્રાણની સેવા કેટલી બધી શાંત ને મૂંગી છે ! તે પ્રથમ પંક્તિનો મૂક સ્વયંસેવક છે. તેને પોતાની શક્તિનું અભિમાન નથી તેમ જ સેવાનો નશો નથી. પોતાની શક્તિનો થોડો પરચો તેણે બતાવ્યો તે તો બીજી ઈન્દ્રિયોના દેવો તેને તદ્દન ભૂલી જઈને અહંકારી થઈ ગયેલા તેમની સાન ઠેકાણે લાવવા ને તેમને વાસ્તવિકતાનું ભાન કરાવવા માટે જ. તેના ઉદાહરણમાંથી પાઠ લઈને માણસે પોતાની સાથે સંકળાયેલાંની મૂંગી છતાં સાચી સેવા કરતાં શીખવાનું છે. યશ કે નામનાની લાલસાથી મુક્ત થઈને સહજ કર્તવ્યરૂપે કરેલી સેવા ભારરૂપ નથી થતી, કેફ કે નશો નથી ચડાવતી, પરંતુ યજ્ઞરૂપ બનીને જીવનનું કલ્યાણ કરનારી થઈ પડે છે. તેને એક પ્રકારની શ્રેયસાધના જ સમજવી. કર્મને એવી સાધનાનું સ્વરૂપ આપવાની જરૂર છે. પછી બીજી કોઈ સાધના કે તપસ્યાની જરૂર નહિ પડે. ઉપનિષદની રહસ્ય વાતને આગળ ગીતામાં સારી રીતે ને વિસ્તારથી સમજાવવામાં આવી છે.
આવા ઉત્તમ પ્રાણની સ્તુતિ કરતાં દેવો કહેવા માંડ્યા : પ્રાણ જ અગ્નિ રૂપે તપે છે, સૂર્ય થઈને પ્રકાશ પૂરો પાડે છે, ને સંસારને જીવન આપે છે. ઈન્દ્ર, વાયુ ને વરસાદનો દેવ પણ તે જ છે. પૃથ્વી પણ તેનું જ સ્વરૂપ છે. સત્યરૂપ, અસત્યરૂપ ને અમૃત પણ તે જ છે. રથનાં પૈડાંના આરા જેમ નાભિમાં સ્થિર થયા હોય છે, તે પ્રમાણે ઋચાઓ, સામ ને યજુર્વેદના મંત્રો, યજ્ઞ, બ્રાહ્મણ ને ક્ષત્રિય જેવી પ્રજાઓ બધું તેની અંદર જ સ્થિર થયું છે.
હે પ્રાણ ! પ્રજાપતિરૂપે તું જ ગર્ભમાં સંચાર કરે છે ને જન્મ પણ તું જ પામે છે. આંખ તથા બીજી ઈન્દ્રિયોરૂપ બીજા પ્રાણોની સાથે તું શરીરમાં વિરાજે છે, ને લોકો તને જ વિવિધ વિષયોરૂપ બલિ આપે છે. પિતૃને અપાતું પ્રથમ સ્વધા દ્રવ્ય તું જ છે, તથા અથર્વા ને અંગિરસ નામના ઋષિઓનું સત્ય કર્મ પણ તું જ છે. હે પ્રાણ, તું ઈન્દ્ર છે, તેજસ્વી રુદ્ર ન રક્ષણ કરનાર છે. પ્રકાશનો પતિ સૂર્ય થઈને તું પ્રકાશે છે ને વાયુરૂપે વિચરે છે. તું જ્યારે વરસાદરૂપે વરસે છે ત્યારે ‘હવે અનાજ પેદા થશે ’ એમ માનીને લોકો આનંદમાં આવી જાય છે. એકર્ષિ નામે પ્રસિદ્ધ અગ્નિ પણ તું જ છે. તું અન્નનો ભોક્તા ને સંસારનો સ્વામી છે. તું સૌનો આદિ છે. તને અમે આહુતિ આપીએ છીએ. માતરિશ્વા નામે વિખ્યાત વાયુનો પણ તું પિતા છે. તારું સ્વરૂપ અમારી વાણીમાં, કાનમાં ને આંખ તેમ જ મનમાં સ્થિર થયું છે. તે સ્વરૂપ સદાય સ્થિર રહે તેમ જ કાયમ માટે કલ્યાણકારી થાય. તું શરીરને છોડીશ નહિ; નહિ તો તેનો નાશ થશે. જે કાંઈ ત્રિલોકમાં છે તે બધું પ્રાણને આધીન છે. હે પ્રાણ, મા જેમ પુત્રોની રક્ષા કરે તેમ તું અમારી નિરંતર રક્ષા કર ને અમને સદ્ બુદ્ધિ તેમ જ સમૃદ્ધિ આપ. તને વારંવાર વંદન હો !
આ પ્રમાણે સંક્ષેપમાં ઋષિએ પ્રાણની ઉત્તમતા ને મહત્તા બતાવી દીધી.
રીજો પ્રશ્ન − પ્રાણ વિશે
હવે ત્રીજા પ્રશ્નની ચર્ચા શરૂ થાય છે. ત્રીજો પ્રશ્ન અશ્વલના પુત્ર કૌસલ્યે પૂછેલો છે : ‘પ્રભુ પ્રાણનો જન્મ શામાંથી થાય છે ? પ્રાણ શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે ? પોતાના પાંચ વિભાગ કરીને શરીરમાં તે કેવી રીતે સ્થિર થાય છે ? શરીરમાંથી તે કેવી રીતે બહાર જાય છે ? બહારના ને અંદરના જગતને તે કેવી રીતે ધારણ કરે છે ? ’
કૌસલ્યે એક સાથે ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે પ્રશ્નો બધા જ પ્રાણ વિશેની જિજ્ઞાસાના જ છે. પ્રાણ વિશેની વધારેમાં વધારે માહિતી મેળવવાનો પ્રયાસ તેમાં કરવામાં આવ્યો છે. ભૂખ્યા માણસને મનપસંદ ભોજનની થાળી ને તરસ્યાને મીઠું સરોવર મળતાં તે જેમ તેના પર તૂટી પડે ને તેનો પૂરેપૂરો લાભ લેવામાં લગીરે કચાશ ન રાખે તેમ જ તેનું પણ થયું છે. ન જાણે કેટકેટલા દિવસથી તેનું મન આ પ્રશ્નોના ઉત્તર માટે મૂંઝાતું ને મહેનત કરતું હતું. કેટલેય વખતે તેને જ્ઞાનના સાગરસમા ગુરૂની પ્રાપ્તિ થઈ. તે ગુરૂએ ઈચ્છાનુસાર પ્રશ્ન પૂછવાની અનુજ્ઞા પણ આપી. હવે તે કચાશ શા માટે રાખે ? માણસના જીવનમાં એવા પ્રસંગ બને છે જ્યારે તેની જ્ઞાનની તરસ વધી જાય છે. અનુભવી મહાપુરૂષોના સમાગમ ને તે દ્વારા મળતા સમાધાન માટે તે આતુર બને છે. દૈવયોગે તેવા પુરૂષનો મેળાપ થાય તો તેણે કોઈ જાતનો સંકોચ ન રાખવો ને મન મૂકીને લાભ લઈ લેવો. પોતાના સહજ સંકોચ, પૂર્વગ્રહ ને મિથ્યાભિમાનને મૂકી દઈને એવા ઉત્તમ અવસરનો લેવાય તેટલો લાભ તેણે લઈ લેવો.
કૌસલ્યના પ્રશ્નોમાંથી ટપકતી જિજ્ઞાસાવૃત્તિને જોઈ મહર્ષિ પિપ્પલાદને આનંદ થયો, ને કેમ ન થાય ? આત્મજ્ઞાનના રસિયા પુરૂષો સંસારમાં અત્યંત ઓછા છે. તેમનો મેળાપ પણ ભારે ભાગ્યથી પ્રાપ્ત થાય છે. તેમને જોઈને અંતરને આનંદ કેમ ન થાય ? મહર્ષિએ કૌસલ્યને કહ્યું કે તારી વાત સાંભળીને મને આનંદ થાય છે, પરંતુ તારા પ્રશ્નો ઘણા કઠિન છે. છતાં તને પરમાત્મા વિશે જાણવાની ઈચ્છા છે ને તું બ્રહ્મનિષ્ઠ છે તેથી તને ઉત્તર આપું છું.
એ રીતે શરૂઆત કરીને ઋષિએ કહેવા માંડ્યું : ‘પ્રાણ આત્મામાંથી જન્મે છે. મનુષ્યની છાયા જેમ મનુષ્ય પર આધાર રાખે છે તેમ પ્રાણ એ આત્માને આધારે જ રહેલો છે. મન જે સંકલ્પ કે કામના કરે છે તેને લીધે જ પ્રાણ શરીરમાં પ્રવેશ કરે છે. મોટો રાજા પોતાના હાથ નીચેના અધિકારીઓને જુદાંજુદાં ગામો પર તેમનો અધિકાર નક્કી કરીને નીમે છે. તેમ પ્રાણ બીજા પ્રાણોને જુદાંજુદાં કાર્યોમાં જુદીજુદી જગાએ નિયુક્ત કરે છે. ગુહ્ય ને ગુહ્યેન્દ્રિયમાં અપાનને નીમે છે; આંખ, કાન, મુખ ને નાકમાં પ્રાણ પોતે રહે છે; પ્રાણ ને અપાનની વચ્ચે સમાન નામનો પ્રાણ રહે છે. તે ખાધેલા અન્નને સરખી રીતે લઈ જાય છે. આત્મા સૌના હૃદયમાં રહેલો છે. તે હૃદયમાં એકસો એક નાડીઓ છે. તે દરેકની સો સો શાખાઓ છે એટલે કે શાખાનાડી છે. તેમની વળી દરેકની બોંતેર હજાર પ્રતિશાખાઓ છે. એ બધી નાડીઓમાં વ્યાન નામનો પ્રાણ રહેલો છે. તે ઉપરાંત સુષુમ્ણા નામની એક નાડી છે. તેમાં ઉદાન નામે પ્રાણ છે. તે પ્રાણનું કામ દરેક જીવને પુણ્યના પ્રભાવથી પુણ્યશાળી લોકમાં ને પાપને પ્રતાપે પાપીના લોકમાં લઈ જવાનું છે. પાપ ને પુણ્ય બન્નેનો સમાન પ્રભાવ હોય તો તે જીવને મનુષ્યલોકમાં લઈ જાય છે.’
જેમ શરીરની અંદર પ્રાણની આવી વ્યવસ્થા છે તેમ શરીરની બહાર વિશાળ વિશ્વમાં પણ છે એમ મહર્ષિ પિપ્પલાદનું કહેવું છે. તે કહે છે કે સૂર્ય બહારનો પ્રાણ છે. આંખમાં રહેલા પ્રાણની ઉપર ઉપકાર કરતાં તે ઊગે છે. પૃથ્વીની અંદર જે દૈવી શક્તિ છે તે શરીરની અંદર રહેલા અપાન પ્રાણનો આધાર છે. સૂર્ય ને પૃથ્વીની વચ્ચે જે આકાશ છે તે સમાન પ્રાણ છે ને વાયુ વ્યાન નામનો પ્રાણ કહેવાય છે. તે જ ઉદાન નામે પ્રાણ છે. એટલા માટે જ્યારે તેજ ચાલ્યું જાય છે કે શાંત થાય છે ત્યારે મનમાં મળી ગયેલી ઈન્દ્રિયો સાથે જીવાત્મા શરીરનો ત્યાગ કરીને બીજો જન્મ લેવા વિદાય થાય છે. અંતઃકાળે માણસના મનમાં જે વિચાર હોય તેની સાથે જીવાત્મા પ્રાણ અથવા શરીરમાં પ્રવેશ કરે છે ને તે પ્રાણ તેજ સાથે જોડાઈને જીવાત્મા સાથે મનુષ્યને તેના સંકલ્પ પ્રમાણેના લોકમાં લઈ જાય છે.
પછી ઋષિ કહે છે કે પ્રાણના રહસ્યને જે આવી રીતે જાણે છે તે અમર બને છે. તેની સંતતિ નાશ પામતી નથી. એટલે તેનું યશોગાન ગાનારા લોકો વધી પડે છે ને કદી ખૂટતા નથી એવો અર્થ પણ લઈ શકાય.
આ પ્રમાણે ત્રીજો પ્રશ્ન પૂરો થાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં સાધારણ માણસની બુદ્ધિ સહેલાઈથી ન જાણી શકે એવી કેટલીક વાત આવે છે. દાખલા તરીકે હૃદયમાં એક સો એક નાડી ને તેમની શાખાની વાત. નાડીઓની એટલી સ્પષ્ટ કે ચોક્કસ ગણના ઋષિ કેવી રીતે કરી શક્યા ? સત્યને આત્મોન્નતિમાં ભારે મદદરૂપ માનનાર ઋષિ કોઈ શેખચલ્લીની જેમ કાલ્પનિક વાતોનો વિનોદ ન કરે કે ટાઢા પહોરનાં ગપ્પાં પણ ન મારે. તેવી કલ્પના કરવી પણ નકામી છે કેમ કે ઉપનિષદના આરંભમાં જ એ કહે છે કે હું જાણતો હોઈશ તો તમને યથાશક્તિ ખુલાસો કરીશ કે જ્ઞાન આપીશ. આવા આત્મનિરીક્ષણથી ઓતપ્રોત, નમ્ર ને સરળ મહાપુરૂષ કોઈ જૂઠી વાત ન જ કહે. તેવી વાત કહેવાનું પ્રયોજન પણ તેમને શું હોય ?
એટલે આખીય વાતના ખુલાસા માટે આપણે બીજી રીતે વિચારવું રહે છે. યૌગિક કે આત્મિક સાધનામાં આગળ વધેલા કે મનનો લય કરીને સમાધિની સ્થિતિએ પહોંચેલા પુરૂષોની દ્રષ્ટિ દૈવી થાય છે. તેમની અંતરઆંખ ઊઘડી જાય છે. તેના પ્રભાવથી શરીરનાં અંદરનાં ને બહારનાં આવાં કેટલાંય રહસ્યોનું જ્ઞાન તે મેળવી શકે છે. તે જ્ઞાન કોઈ વાર દૈવી મહાપુરૂષો કે દેવતા દ્વારા તો કોઈ વાર તેમના જ આત્મા દ્વારા તેમને મળી રહે છે. બીજાને માટે તે જ્ઞાન અજાયબી પમાડે તેવું થઈ પડે, પરંતુ તેમને માટે તો નિશ્ચિત વિકાસના સહજ પરિણામરૂપ હોય છે. વેદ ને ઉપનિષદમાં એવું ઘણું અસાધારણ જ્ઞાન છે. તેનો ઉગમ મોટે ભાગે આવી રીતે જ થયેલો છે. એટલે તે વૈજ્ઞાનિક છે. તેની પાછળ સાધનાનું ચોક્કસ વિજ્ઞાન રહેલું છે. એટલે તેનું ચોક્કસ સાધન ન સમજાય માટે જ તેને ઉડાવી દેવાની, હસી કાઢવાની કે શેખચલ્લીના તરંગની જેમ માની લેવાની જરૂર નથી. કોઈ પણ માણસ સાધનથી સમ્યક્ પદ્ધતિનો પ્રવાસી થઈને આજે પણ એવાં અલૌકિક સત્યોને શોધી શકે છે. માનવજાતિને જે કેટલાક અસાધારણ ને અતીન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તે સાધનાના એવા જ ઉત્તમ ને પૂર્ણ પરિપાકનું પરિણામ છે. બુદ્ધિમાં ન ઊતરે તેથી તેને ઉડાવી દેવાની નહિ પરંતુ સહાનુભૂતિથી વારંવાર સમજવાની ને સમજવાનો પ્રયાસ કરવાની જરૂર છે
ચોથો પ્રશ્ન − સુષુપ્તિ અથવા નિદ્રાવસ્થા વિશે
ચોથા પ્રશ્નમાં નિદ્રા અથવા સુષુપ્તિ વિશે ઉપલક વિચાર કરવામાં આવ્યો છે. સૂર્યના પૌત્ર ગાર્ગ્યે મહર્ષિ પિપ્પલાદને પ્રશ્ન કર્યો છે : ‘પુરૂષ જ્યારે સૂઈ જાય છે ત્યારે તેનામાં રહેલા કયા કયા દેવો સૂઈ જાય છે ને કયા જાગે છે ? કોણ સ્વપ્ન જુએ છે ? નિદ્રાનું સુખ કોને પ્રાપ્ત થાય છે ? ને બધા ઈન્દ્રિયાદિ દેવો કોને આધારે રહ્યા છે?’
મહર્ષિ તેને ઉત્તર આપતાં સમજાવે છે કે સૂર્યાસ્ત સમયે સૂર્યનાં કિરણો તેના તેજોમંડળમાં એક થાય છે ને સૂર્યોદય સમયે તેજ પાછાં બધે ફેલાય છે, તેવી જ રીતે બધા ઈન્દ્રિયાદિ દેવતા મનમાં એક થાય છે. તે દશામાં પુરૂષ કાંઈ સાંભળતો નથી, જોતો નથી, સૂંઘતો નથી, સ્વાદ લેતો કે સ્પર્શતો નથી, બોલતો નથી, ગ્રહણ કરતો નથી, આનંદ માણતો નથી, મળત્યાગ કરતો નથી ને અવરજવર પણ નથી કરતો. તે વખતે બહારની બધી ઈન્દ્રિયો લગભગ બેકાર જેવી બની જાય છે ત્યારે તે સૂતો છે એમ કહેવામાં આવે છે તે વખતે શરીરમાં પ્રાણ જાગતો હોય છે. તે પ્રાણ મનને પરબ્રહ્મ પરમાત્માની પાસે લઈ જાય છે. એ મનરૂપી દેવ જ સ્વપ્નમાં પોતાની શક્તિનો અનુભવ કરે છે; સ્વપ્નાવસ્થામાં તે અનેક જાતનાં દ્રશ્યો જુએ છે; જે જોયું હોય તે પાછું જુએ છે; અનેક પ્રકારના શબ્દો સાંભળે છે, ને અનેક પ્રકારના અનુભવો કરે છે. દેશપરદેશમાં જે અનુભવ્યું હોય તે ફરી અનુભવે છે. એટલું જ નહિ, પણ જોયેલું ને ન જોયેલું, સાંભળેલું ને ન સાંભળેલું, અનુભવેલું, સત્ય ને અસત્ય બધું જ તે જુએ, સાંભળે ને અનુભવે છે. પરંતુ શરીરની અંદરના તેજ અથવા પિત્તને લીધે જ્યારે દબાઈ જાય છે ત્યારે તે મનરૂપી દેવતા સ્વપ્ન જોતો નથી પરંતુ કેવળ સુખનો અનુભવ કરે છે. તે વખતે બધું પરમાત્મામાં લીન થઈ જાય છે.
કેવી રીતે લીન થાય છે તે સમજાવવા મહર્ષિ એક સુંદર બંધબેસતી ઉપમા આપે છે. પક્ષીઓ જેમ વૃક્ષ પરના પોતાના માળામાં ભરાઈ જાય તેવી રીતે સુષુપ્તિ દશામાં ઈન્દ્રિયો ને બધી વૃત્તિઓ આત્મામાં એકાકાર બની જાય છે અથવા મળી જાય છે. ઋષિ કહે છે કે એ આત્મા જ વિજ્ઞાનાત્મા પુરૂષ છે. તે જ જુએ છે, સ્પર્શ કરે છે, સાંભળે છે, સૂંઘે છે, સ્વાદ લે છે, વિચાર કરે છે, કર્મ કરે છે ને જાણે છે. તે આત્મા છેવટે પરમાત્મામાં મળી જાય છે. તે પરમાત્મા છાયારહિત, શરીરરહિત, રૂપરંગરહિત, શુદ્ધ ને અવિનાશી છે. તેને જે જાણે છે તે પરમાત્માને જ પામે છે. ઈન્દ્રિયોરૂપી બધા દેવો સાથે બુદ્ધિની ઉપાધિવાળો આત્મા એટલે વિજ્ઞાનાત્મા, પ્રાણો ને પંચમહાભૂતો તે અવિનાશી પરમાત્મામાં જ લીન થાય છે. તે પરમાત્માને જે જાણી લે છે તે બધું જ જાણી જાય છે, જાણવા જેવું જાણી જાય છે, ને પરમાત્મા સાથે એકતાનો અનુભવ કરી લે છે.
સ્વપ્નાવસ્થાના રહસ્ય વિશે હવે તો ઘણું ઘણું શોધાયું ને લખાયું છે. તેનું વિવેચન કરવાનું અહીં અસ્થાને છે. પરંતુ આજથી હજારો વરસો પહેલાં ઠેઠ વૈદિક કાળમાં ભારતના ઋષિવરોએ તેનું પણ ચિંતન-મનન કર્યું હતુ તેની પ્રતીતિ આપણને આ બધું વાચતાં વિચારતાં સહેજે થઈ રહે છે. મન વિશે ઊંડું મનન કર્યા પછી તેમણે મનને વશ કરવાની ને શક્તિશાળી બનાવવાની આખી સાધના શોધી કાઢી હતી. તેને જ યોગસાધનાનું નામ આપવામાં આવ્યું છે. તે મહાન ઋષિવરોના અનુભવભંડાર અથવા જ્ઞાનવારસાનો વિચાર કરતાં તેમના તરફ આપણને જરૂર માન થાય છે.
ચોથો પ્રશ્ન પૂરો થયા પછી શિબિપુત્ર સત્યકામનો વારો આવ્યો. તેણે મહર્ષિ પિપ્પલાદને પૂછ્યું : ‘હે ભગવન્, જે મરણપર્યંત ॐકારનું ધ્યાન કરે છે તે તેના પ્રભાવથી કયા લોકને મેળવે છે ?’
એ પ્રશ્નનો ઉત્તર ઋષિએ ખૂબ જ સંક્ષેપમાં આપ્યો છે. તે કહે છે કે જે માણસ अ એવી એક માત્રાવાળા ॐની ઉપાસના કરે છે, તે તેના પ્રભાવથી જ્ઞાન મેળવે છે ને પૃથ્વી પર ફરી જન્મે છે. ઋગ્વેદની ઋચાઓ તેને મનુષ્યલોકમાં લઈ જાય છે. તે ત્યાં તપ, બ્રહ્મચર્ય ને શ્રદ્ધાથી સંપન્ન થાય છે.
જો કોઈ अ ને उ એવી બે માત્રાવાળા ॐકારની ઉપાસના કરે છે તો તે અંતરીક્ષમાં રહેલા ચંદ્રલોકમાં જાય છે. ત્યાં વૈભવી થઈને પાછો જન્મે છે.
જે મનુષ્ય अ, उ ને म् એ ત્રણ માત્રાવાળા ॐકાર વડે પરમ પુરૂષનું ધ્યાન કરે છે તે તેજોમય સૂર્યલોકને મેળવે છે. સાપ કાંચળીથી મુક્ત થાય તેમ તે પાપથી છૂટે છે ને સામવેદના મંત્રોની મદદથી બ્રહ્મલોકમાં જાય છે. ત્યાં તે પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. શાંત, અજર અમર, અભય ને સૌથી પર પરમાત્માને સાધક ॐકારની મદદથી જ મેળવે છે.
આ પ્રમાણે મહર્ષિએ ॐકારની વિવિધ માત્રાની તથા તે સૌના સમન્વય સાથેના ॐકારની ઉપાસનાનુ બેવડું ફળ બતાવ્યું છે.
છઠ્ઠો પ્રશ્ન - સોળ કળાવાળા પુરૂષ વિશે
સૌથી છેલ્લો ને છઠ્ઠો પ્રશ્ન ભરદ્વાજના પુત્ર સુકેશાએ પૂછ્યો છે. પ્રશ્નની શરૂઆત તે જુદી જ રીતે કરે છે. તે કહે છે કે કોસલ દેશના રાજકુમાર હિરણ્યનાભે મારી પાસે આવીને પૂછ્યું હતું : ‘હે ભરદ્વાજના પુત્ર, તમે સોળ કળાવાળા પુરૂષને જાણો છો ?’ તે રાજકુમારને મેં ઉત્તર આપ્યો કે ‘હું તેને નથી જાણતો. જો જાણતો હોઉં તો જરૂર કહું. જે જૂઠો જવાબ આપે છે તેનો નાશ થાય છે. માટે હું જૂઠું નહિ બોલું.’
મારો તે ઉત્તર સાંભળીને તે મૂંગો મૂંગો રથમાં બેસીને વિદાય થયો. તો હું તમને પૂછું છું કે સોળકળાવાળો એ પુરૂષ ક્યાં છે ? તમે તેને વિષે જાણો છો ?
સુકેશાની વાત કરવાની પદ્ધતિ તદ્દન સીધી, સચોટ ને સરળ છે. તેમાં કોઈ જાતનો દંભ કે આડંબર નથી. કોસલ દેશના રાજકુમારની સાથેના વાર્તાલાપનો જે પ્રસંગ તેણે જાહેર કર્યો છે તે તેની નિરભિમાનિતા, ભારોભાર નમ્રતા ને સત્યપ્રિયતા પુરવાર કરવા પૂરતો છે. પરંતુ મહર્ષિ પિપ્પલાદની વાત જુદી હતી. તે વધારે જ્ઞાની ને અનુભવી હતા. એટલે તે તેના પ્રશ્નનો ઉત્તર આપી શક્યા. કેટલાક લોકો એવા હોય છે જે સારી દુનિયા ને તેના બધા જ વિષયોનું જ્ઞાન ધરાવતા હોય એવો દેખાવ કરે છે. તેવા લોકોએ આ પ્રસંગ પરથી બોધપાઠ લઈને વધારે નમ્ર થવાની જરૂર છે. વિદ્યા હંમેશાં વિનયથી જ શોભે છે એ વાત જાણીતી છે.
મહર્ષિએ તેને પ્રત્યુત્તર આપતાં કહ્યું કે એ પુરૂષ આ શરીરની અંદર જ રહેલો છે ને તેમાંથી જ સોળ કળા પેદા થાય છે. તેથી તે સોળ કળાવાળો કહેવાય છે. તે પુરૂષે વિચાર કર્યો : ‘કોના બહાર નીકળી જવાથી હું બહાર નીકળી જઈશ ને કોના સ્થિર રહેવાથી રહી શકીશ ?’ તે પછી તેણે પ્રાણને ઉત્પન્ન કર્યો. પ્રાણમાંથી શ્રદ્ધા, આકાશ, વાયુ, તેજ, પાણી, પૃથ્વી, ઈન્દ્રિય, મન ને અન્નની ઉત્પત્તિ થઈ. અન્નમાંથી વીર્ય, તપ, મંત્ર, કર્મ ને લોકો પેદા થયા ને લોકોમાં નામની ઉત્પત્તિ થઈ. જેમ સમુદ્ર તરફ જતી જુદીજુદી નદીઓ સમુદ્રમાં મળી જાય છે, તેમનાં નામરૂપ બદલાઈ જાય છે, ને તે સમુદ્ર તરીકે જ ઓળખાય છે, તેમ બધી કળાઓ તે પુરૂષને મળીને વિલય પામી જાય છે, તેમનાં નામરૂપ બદલાઈ જાય છે, ને તે પુરૂષ તરીકે જ ઓળખાય છે. તે પુરૂષ અકળ ને અમર છે. રથનાં પૈડાંની નાભિમાં આરા જેમ સ્થિર બન્યા છે તેમ એ પુરૂષમાં કળાઓ સ્થિર બની છે. તે પુરૂષ જ જાણવા જેવો છે. તેને જાણો તો મૃત્યુ તમને પીડા કે દુઃખ નહિ કરે.
એ પ્રમાણે પરમાત્માને જાણવાથી જ માણસ મૃત્યુંજય બની શકે છે એવું ભારપૂર્વક કહીને મહર્ષિએ કહ્યું કે પરબ્રહ્મ પરમાત્મા વિશે હું આટલે સુધી જ જાણું છું. તેમના તે શબ્દો પણ નમ્રતાથી ભરેલા છે.
આવા મહાન જ્ઞાનદાતા ગુરૂને પિતા તરીકે માનવામાં ને પૂજવામાં શી હરકત છે ? તે તો પિતાથી પણ મંગલ છે. કેમ કે જ્ઞાન દ્વારા નવો જન્મ ને નવો પ્રકાશ પૂરો પાડે છે. તેવા ગુરૂને માતા, પિતા, બંધુ,  સખા, જીવનધન ને સાક્ષાત્ પરમાત્મા બરાબર કહીને જે અંજલિ આપવામાં આવી છે તે તદ્દન યોગ્ય જ છે. છ શિષ્યોએ તેમની પૂજા કરી ને પોતાની કૃતજ્ઞતા બતાવી કહ્યું કે તમે અમને અવિદ્યાની પેલે પાર લઈ ગયા છો તે માટે તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.
એવા કેટલાય જિજ્ઞાસુ આ ઉપનિષદના મનનથી એવો જ અનુભવ કરતા હશે. તે મહર્ષિને કોઈના આભારદર્શનની ક્યાં પડી છે ! માનવજાતિના પરમહિતેચ્છુ એવા ઋષિવરોને આપણા નમસ્કાર હો, અનેક વાર નમસ્કાર હો !
*
છઠ્ઠો પ્રશ્ન સમાપ્ત
*
પ્રશ્નોપનિષદ સમાપ્ત