Friday 21 December 2012

CHAMPAKLAL GURU

स्वभावमेके कवयो वदन्ति कालं तथान्ये परिमुह्यमानाः ।
देवस्यैष महिमा तु लोके येनेदं भ्राम्यते ब्रह्मचक्रम् ॥१॥

વિદ્વાન કે વિચારકોનો એક વર્ગ એવો છે કે જે સ્વભાવને જ જગતનું મૂળ કારણ માનીને જગત પોતાના પ્રાકૃતિક સ્વભાવથી જ પ્રાદુર્ભાવ પામે છે એવું સમજે-સમજાવે છે. વિદ્વાનો કે વિચારકોનો બીજો વર્ગ જગતના મૂળ અથવા કારણ તરીકે કાળને માને છે. પરંતુ એ વિચારકોની માન્યતા યથાર્થ નથી. એમને જગતની પાછળ રહેલી પરમાત્માની પરમ સત્તાનો ખ્યાલ નથી. એ પરમાત્માને લીધે જ જગતનું પ્રાકટ્ય થાય છે. જગત પરમાત્માના પ્રકટ મહિમા જેવું છે. એના રૂપમાં એ પરમ મહિમામય મગંલ મહિમાનું દર્શન કરવું જોઇએ. જગતનું ચક્ર એ પરમાત્માને લીધે જ ચાલ્યા કરે છે. એના મૂળ કારણ કે મુખ્ય કારણ પરમાત્મા જ છે.

येनावृतं नित्यमिदं हि सर्वं ज्ञः कालकारो गुणी सर्वविद् यः ।
तेनेशितं कर्म विवर्तते ह पृथिव्यप्तेजोनिलखानि चिन्त्यम् ॥२॥
પરમાત્માથી આ સમગ્ર જગત ઘેરાયેલું અને વ્યાપ્ત છે. એ પરમ જ્ઞાનમય, સર્વગુણ સંપન્ન પરમાત્મા જ સૌના સ્વામી છે, સૌના પર શાસન કરે છે, ને સૌના મૂળ કારણ છે. કાળના પણ કાળ છે. સર્વજ્ઞ છે. એમના એકાધિકાર અને આધિપત્ય નીચે જગત પોતાની પ્રવૃતિ કર્યા કરે છે. પૃથ્વી જેવાં પંચમહાભૂતો પર પણ એમનું જ શાસન ચાલી રહ્યું છે. એ મહાભૂતો પણ પરમાત્માની પરમ શક્તિ વિના સ્વતંત્ર રીતે કાર્ય નથી કરી શકતાં. એટલે જ એમને કે પરમાણુઓને જગતનું કારણ કહે છે તે પણ ભૂલ કરે છે.


तत्कर्म कृत्वा विनिवर्त्य भूयस्तत्त्वस्य तावेन समेत्य योगम् ।
एकेन द्वाभ्यां त्रिभिरष्टभिर्वा कालेन चैवात्मगुणैश्च सूक्ष्मैः ॥३॥

પરમાત્મા દ્વારા જ જગતની રચના થઇ છે એવું પુનઃ પ્રતિપાદન કરતાં શ્લોકમાં જણાવવામાં આવે છે કે પરમાત્માએ પોતાની પ્રકૃતિમાંથી પંચમહાભૂતાદિની રચના કરી. એમનું અવલોકન કરીને, જડતત્વનો ચેતન-તત્વ સાથે સંયોગ કરાવીને આ અંત્યંત વિલક્ષણ, વિવિધ નામરૂપવાળા જગતની રચના કરી. અથવા બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે અવિદ્યા, સત્કર્મ તથા દુષ્કર્મ, ત્રણ ગુણો, આઠ પ્રકારની પ્રકૃતિ, કાળ અને અહંતા-મમતા-આસક્તિ જેવા આત્મવિષયક સૂક્ષ્મ ગુણોની સાથે જીવાત્માનો સંબંધ જોડીને સમસ્ત સૃષ્ટિનું સર્જન કર્યું.

आरभ्य कर्माणि गुणान्वितानि भावांश्च सर्वान् विनियोजयेद्यः ।
तेषामभावे कृतकर्मनाशः कर्मक्षये याति स तत्त्वतोऽन्यः ॥४॥
જે માનવ પોતાને ફાળે આવેલા કર્તવ્યોનું અનુષ્ઠાન કરે છે અને જીવનની ઉત્તરોત્તર શુદ્ધિ સધાતાં એ કર્તવ્યોનો તથા એમની પાછળના શુભાશુભ સંકલ્પો કે ભાવોનો સંબંધ પરમાત્માની સાથે બાંધીને એમને પરમાત્માને અર્પણ કરે છે, તેના સંચિત કર્મસમૂહનો ક્રમેક્રમે નાશ થાય છે, અને એ કર્મ તથા એના ફળની વિવિધ વાસના તથા અહંતા-મમતાદિમાંથી મુક્તિને મેળવીને પરમાત્માને મેળવી લે છે. જીવાત્મા જડ પ્રકૃતિથી જુદો અને ચેતન હોવાથી, પરમ ચેતનને પામીને ધન્ય બને છે. પ્રકૃતિના સ્થૂળ સંબંધોથી ઉપર ઉઠીને પરમાત્માનો સૂક્ષ્મ સંબંધ સ્થાપવાથી અને વધારવાથી બધું જ શક્ય બને છે.
आदिः स संयोगनिमित्तहेतुः परस्त्रिकालादकलोऽपि दृष्टः ।
तं विश्वरूपं भवभूतमीड्यं देवं स्वचित्तस्थमुपास्य पूर्वम् ॥५॥
પરમાત્માની પ્રાપ્તિ એમની ઉપાસના દ્વારા પણ કરી શકાય છે. આ શ્લોક દ્વારા એનો સંકેત સાંપડે છે. એ પરમાત્મા સૌના આદિ છે, કલારહિત છે, દેશકાળથી અતીત છે. એમને લીધે જ જીવનો પ્રકૃતિ સાથે સંયોગ સધાય છે. એ માનવ હૃદયપ્રદેશમાં વિરાજમાન છે, સર્વરૂપ છે, અને સર્વવ્યાપક છે. એ જ સ્તુતિ કરવા યોગ્ય છે. એમની શ્રદ્ધાભક્તિપૂર્વક ઉપાસના કરવાથી એમનો સાક્ષાત્કાર થઇ શકે છે. એટલા માટે એમની આરાધનાનો આધાર લેવો જોઇએ.

स वृक्षकालाकृतिभिः परोऽन्यो यस्मात् प्रपञ्चः परिवर्ततेऽयम् ।
धर्मावहं पापनुदं भगेशं ज्ञात्वात्मस्थममृतं विश्वधाम ॥६॥
આ સંસારનો પુરાતન પ્રવાહ પરમાત્માને લીધે જ ચાલ્યા કરે છે. એ પરમાત્મા સંસારરૂપી વૃક્ષથી, કાળથી અને પ્રકૃતિના રૂપરંગથી ન્યારા કે વિલક્ષણ છે. પાપનો નાશ કરનારા, ધર્મને વધારનારા, ઐશ્વર્યના અધીશ્વર અને સર્વાધાર છે. એમને જ્ઞાનની મદદથી પોતાની અંદર રહેલા જાણીને સાધક એમનો સાક્ષાત્કાર કરીને કૃતાર્થ બને છે. એવી રીતે ભક્તિમાર્ગની જેમ જ્ઞાનમાર્ગનો આધાર લઇને પણ પરમાત્માની પાસે પહોંચી શકાય છે.


तमीश्वराणां परमं महेश्वरं तं देवतानां परमं च दैवतम् ।
पतिं पतीनां परमं परस्ताद्विदाम देवं भुवनेशमीड्यम् ॥७॥
પરમાત્મા સૌથી શ્રેષ્ઠ છે. ઇશ્વરોના પણ ઇશ્વર, મહેશ્વર છે. દેવોનાયે દેવ છે. દેવોની દિવ્યતા એમને જ આભારી છે. એ પતિના પણ પતિ, સમસ્ત બ્રહ્માંડના અધિપતિ છે. એ જ સ્તુતિ કરવા યોગ્ય છે. સર્વથી પર છે. અમે એમનો અનુભવ કર્યો છે. એમને જાણીએ છીએ.

આ શ્લોકના છેલ્લા ચરણના 'વિદામ'- જાણીએ છીએ શબ્દમાં સ્વાનુભવનો નમ્ર છતાં સહેજ અને સંશયરહિત રણકાર સાંભળી શકાય છે. એ રણકાર ખૂબ જ પ્રેરક છે

न तस्य कार्यं करणं च विद्यते न तत्समश्चाभ्यधिकश्च दृश्यते ।
परास्य शक्तिर्विविधैव श्रूयते स्वाभाविकी ज्ञानबलक्रिया च ॥८॥
એ પરમાત્માનાં કાર્ય અને કરણ એટલે કે શરીર અને ઇન્દ્રિયો નથી. એ શરીર તથા ઇન્દ્રિયોથી રહિત છે. એમના કરતાં કોઇ ઉત્તમ તો નથી જ, પરંતુ એમની બરાબરીનું અથવા એમની સાથે સરખાવી શકાય તેવું પણ બીજું કોઇ નથી મળતું. એ અજોડ છે. એ સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને સર્વવ્યાપક છે. એમની શક્તિ અનોખી અથવા અસાધારણ છે. વળી સહજ અને જુદી જુદી જાતની છે.

न तस्य कश्चित् पतिरस्ति लोके न चेशिता नैव च तस्य लिङ्गम् ।
स कारणं करणाधिपाधिपो  न चास्य कश्चिज्जनिता न चाधिपः ॥९॥
પરમાત્મા કરતાં કોઇ શ્રેષ્ઠ નથી એટલે એમનો કોઇ સ્વામી કે શાસક નથી. એ જ સૌના સ્વામી અને શાસક છે. એમનું કોઇ એવું વિશેષ ચિહ્નવિશેષ નથી જેમના પરથી એમને ઓળખી શકાય. તે સૌના કારણ અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોના પણ અધીશ્વર છે. એમણે આ આખાય જગતની ઉત્પત્તિ કરી છે. પરંતુ એમને ઉત્પન્ન કરનાર કોઇ જ નથી.

यस्तन्तुनाभ इव तन्तुभिः प्रधानजैः स्वभावतः ।
देव एकः स्वमावृणोति स नो दधातु ब्रह्माप्ययम् ॥१०॥

કરોળિયો પોતાની જ જાળથી પોતાને ઢાંકી દે છે તેમ પરમાત્માએ પોતાની સ્વશક્તિથી ઉત્પન્ન વિવિધ રચના દ્વારા પોતાને ઢાંકી દીધા છે. અમે એમનું શરણ લઇએ છીએ. એ અમને આશ્રય આપી, અમારા પર અનુગ્રહ કરીને અમને એમના અપરોક્ષ અનુભવનો અલૌકિક આનંદ આપો.

एको देवः सर्वभूतेषु गूढः  सर्वव्यापी सर्वभूतान्तरात्मा।
कर्माध्यक्षः सर्वभूताधिवासः साक्षी चेता केवलो निर्गुणश्च ॥११॥
એ પરમાત્મા દેવોના દેવ છે, સર્વે પ્રાણીઓમાં ગુપ્ત રીતે રહેલા એમના અંતર્યામી, સર્વવ્યાપી તથા કર્મોના નિયંતા છે. સૌના નિવાસસ્થાન, સૌ કોઇના સાક્ષી, ચેતન, પરમ પવિત્ર, એક અથવા અનન્ય અને ગુણાતીત છે.

एको वशी निष्क्रियाणां बहूनामेकं बीजं बहुधा यः करोति ।
तमात्मस्थं येऽनुपश्यन्ति धीरास्तेषां सुखं शाश्वतं नेतरेषाम् ॥१२॥
સંસારમાં સનાતન સુખ કોને સાંપડે છે ? પરમાત્માનો સાક્ષાત્કાર પોતાના હૃદયમાં કરનારા સાધનાપરાયણ મંગલ મહાપુરુષોને જ. બીજાને કદાપિ નથી સાપડી શકતું. એ પરમાત્મા સ્વયં સુખસ્વરૂપ હોઇને એમની પાસે પહોંચનાર સ્વાભાવિક રીતે જ સુખશાંતિથી સંપન્ન બને છે. એ પરમાત્મા પોતે એક જ હોવા છતાં અનેક જીવોના અથવા જડચેતનાત્મક સકળ સૃષ્ટિના શાસક છે. પ્રકૃતિરૂપી એક જ નાનાસરખા સીક્ષ્મ બીજને તે વિશ્વના વિવિધ નામરૂપ, રંગ તથા રસથી ભરેલા વિશાળ વૃક્ષમાં પરિણત કરે છે. એવી અનંત એમની શક્તિ છે.

नित्यो नित्यानां चेतनश्चेतनानामेको बहूनां यो विदधाति कामान् ।
तत्कारणं सांख्ययोगाधिगम्यं ज्ञात्वा देवं मुच्यते सर्वपाशैः ॥१३॥

પરમાત્મા એક હોવાં છતાં નિત્ય અને ચેતન છે. એ અનેક નિત્ય અને ચેતન આત્માઓની કામના પૂરી કરે છે અને એમના કર્મફળભોગોનું વિધાન કરે છે. જ્ઞાન, ધ્યાન તથા નિષ્કામ કર્મયોગની મદદથી એમની પ્રાપ્તિ થાય છે. એ સમસ્ત સર્જનના કારણ છે. એમને જાણ્યા અથવા અનુભવ્યા વગર અવિદ્યાને પરિણામે પેદા થનારાં બંધનો અને કલેશોમાંથી નથી છૂટાતું.

न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः ।
तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति ॥१४॥

પરમાત્માને પ્રકાશ પહોંચાડવાની શક્તિ કોનામાં છે ? કોઇની અંદર નથી. જગત આખું જ જ્યારે પરમાત્માના પ્રકાશથી પ્રકાશે છે ત્યારે એમને કેવી રીતે કોઇ પ્રકાશ આપી શકે ? એમની પાસે સૂર્ય નથી પ્રકાશતો, ચંદ્ર અને તારાગણો નથી પ્રકાશતા, અગ્નિ અને વીજળીનો પ્રકાશ પણ ત્યાં નથી પહોંચતો. એમના પરમ પ્રકાશનાં કતિપય કિરણોથી જ બ્રહ્માંડ પ્રકાશે છે. એમના પરમ પ્રકાશની પ્રાપ્તિ થતી ના હોય તો આ અખિલ જગત અંધકારમાં અટવાઇ જાય.

एको हंसः भुवनस्यास्य मध्ये स एवाग्निः सलिले संनिविष्टः ।
तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय ॥१५॥
પરમાત્મા સર્વવ્યાપક છે. સંસારની અંદર, બહાર, ઉપર-નીચે, સર્વત્ર વિરાજમાન છે. એ પાણીમાં અગ્નિ બનીને રહેલા છે. ઉપનિષદની એ ઉક્તિ કોઇને અતિશયોક્તિ ભરેલી લાગવાનો સંભવ છે. પરંતુ શાંતિપૂર્વક વિચારવાથી સમજાશે કે એમાં અતિશયોક્તિ જેવું કશું જ નથી. વિજ્ઞાને પાણીમાં અગ્નિ અથવા વિદ્યુત શક્તિ હોવાનું સિદ્ધ કર્યું છે. વૈજ્ઞાનિકો પાણીમાંથી એ અગ્નિતત્વને બહાર કાઢીને જુદાજુદા કાર્યો કરી બતાવે છે. કાર્યમાં કારણ રહેતું હોય છે એ રીતે વિચારતાં, અગ્નિતત્વ જલતત્વનું કારણ હોવાથી એમાં હોય છે જ. પરમાત્મા પણ જગતના એકમાત્ર કારણ હોવાથી, સહેલાઇથી દૃષ્ટિગોચર નથી થતા તોપણ, જગતમાં રહેલા છે. એમને જાણનાર અમુતમય બની જાય છે. મૃત્યુનાં નાના મોટાં બધાં જ બંધનોમાંથી મુક્તિ મેળવે છે. જીવનના આત્યંતિક કલ્યાણનો અથવા પરમપદની પ્રાપ્તિનો એના સિવાય બીજો કોઇ જ માર્ગ નથી શોધાયો.

स विश्वकृद् विश्वविदात्मयोनिर्ज्ञः कालकालो गुणी सर्वविद् यः ।
प्रधानक्षेत्रज्ञपतिर्गुणेशः संसारमोक्षस्थितिबन्धहेतुः ॥१६॥
પરમાત્મા પરમજ્ઞાન સ્વરૂપ છે. સર્વજ્ઞ છે. સૌને ઉત્પન્ન કરનારા છે. પરંતુ એમને ઉત્પન્ન કરનારા કોઇ જ નથી. એ સંપૂર્ણ સંસારની ઉત્પત્તિના કારણ છે. પરમ ગુણવાન, કાળના પણ કાળ અને સૌને જાણનાર છે. પ્રકૃતિના ગુણધર્મો પર શાસન કરનારા, પ્રકૃતિ તથા જીવાત્માના સ્વામી છે. એમને લીધે જ જગતમાં જીવોની સ્થિતિ થાય છે. જીવો વિવિધ પ્રકારનાં બંધનમાં પડે છે, અને એમના શરણ, મનન તથા સાક્ષાત્કારથી મુક્તિનો અનુભવ કરે છે.

स तन्मयो ह्यमृत ईशसंस्थो ज्ञः सर्वगो भुवनस्यास्य गोप्ता ।
य ईशेऽस्य जगतो नित्यमेव नान्यो हेतुर्विद्यत ईशनाय ॥१७॥

તે પરમાત્મા સ્વ-સ્વરૂપમાં સ્થિત, અમૃતમય, અચળ છે. એમના સિવાયનું બીજું બધું જ પરિવર્તનશીલ છે. જુદા જુદા લોકપાલોમાં ને દેવોમાં આત્મારૂપે એ જ વિરાજમાન છે. એ સર્વજ્ઞ, સર્વવ્યાપક, બ્રહ્માંડના સ્વામી તથા સંરક્ષક છે. એમના સિવાય સંસાર પર શાસન કરનાર બીજું કોઇ જ નથી. એમનું શાસન શાશ્વત કાળથી, સર્જનના આરંભથી અને એની પણ પહેલાંથી ચાલ્યા કરે છે.

यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै ।
तं ह देवं आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये ॥१८॥
પરમાત્માએ સૌથી પહેલાં બ્રહેમાને પેદા કર્યા અને એમને વેદોનું દૈવી જ્ઞાન પ્રદાન કર્યું. એવી રીતે એ સૌના આદિ છે. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને આત્માને પ્રકાશ પહોંચાડીને સક્રિય અથવા સજીવ કરે છે. પુરાણકાળથી પ્રખ્યાત છે. એમનું શરણ લેનાર જ સર્વપ્રકારે સુખી થાય છે. એવું સમજીને હું એમનું સાચા દિલથી શરણ લઉં છું.

निष्कलं निष्क्रियं शान्तं निरवद्यं निरञ्जनम् ।
अमृतस्य परं सेतुं दग्धेन्दनमिवानलम् ॥१९॥

પરમાત્મા બળેલા કાષ્ઠવાળા અગ્નિની પેઠે પવિત્ર પ્રકાશ-સ્વરૂપ છે; કળારહિત, ક્રિયારહિત, નિર્દોષ, નિર્મળ, શાંત, અમૃતના પરમ સેતુરૂપ છે. એમનું હું પ્રેમપૂર્વક ચિંતન કરું છું.

यदा चर्मवदाकाशं वेष्टयिष्यन्ति मानवाः ।
तदा देवमविज्ञाय दुःखस्यान्तो भविष्यति ॥२०॥

દેવોના દેવ પરમદેવ પરમાત્માને જાણ્યા કે પામ્યા વિના માનવ દુઃખ, બંધન, અને અશાંતિમાંથી કદી પણ છૂટી શકે ખરો ? ના. સ્વપ્ને પણ ના છૂટી શકે. એ વાતને વધારે સ્પષ્ટ કરતાં આ શ્લોકમાં કહેવામાં આવે છે કે આકાશને ચામડીની પેઠે વિંટવાનું કાર્ય કોઇપણ માનવને માટે અને સંસારના સધળાં માનવોને માટે અશક્ય છે તેમ પરમાત્માના સાક્ષાત્કાર વિના કોઇને પણ સનાતન સુખશાંતિ નથી સાંપડી શકતી.

तपःप्रभावाद् देवप्रसादाच्च ब्रह्म ह श्वेताश्वतरोऽथ विद्वान् ।
अत्याश्रमिभ्यः परमं पवित्रं प्रोवाच सम्यगृषिसङ्घजुष्टम् ॥२१॥

શ્વેતાશ્વતર ઋષિએ પ્રખર તપ કરીને પરમાત્માની પરમકૃપાથી પરમાત્માનો સાક્ષાત્કાર કરીને, ઋષિમુનિથી આરાધાયેલા પરમ પવિત્ર પરમાત્માનો ઉપદેશ સ્વાનુભવના આધાર પર સુચારુરૂપે આશ્રમના અભિમાનથી અને આશ્રમની ઉપાધિથી મુક્ત મુમુક્ષુજનોને આપ્યો હતો, એ વાત વિદ્વાનોમાં જાણીતી છે.

वेदान्ते परमं गुह्यं पुराकल्पे प्रचोदितम् ।
नाप्रशान्ताय दातव्यं नापुत्रायाशिष्याय वा पुनः ॥२२॥
આ અત્યંત રહસ્યમય પરમપવિત્ર ગૂઢ જ્ઞાનનો ઉપદેશ વેદના અંતભાગ જેવા ઉપનિષદમાં પૂર્વકલ્પમાં આપવામાં આવેલો. એ ઉપદેશ ચંચળ બુદ્ધિના, અશાંત મનના, અસ્થિર માનવને ના આપવો. કારણ કે તે તેને સમજી કે પચાવી નહિ શકે. એનો ઉપદેશ પોતાના પુત્ર કે શિષ્યને આપવામાં કશું ખોટું નથી. કારણ કે પિતા કે ગુરુ પોતાના પુત્રને કે શિષ્યને સંસ્કારી અથવા અધિકારી બનાવી શકે છે એટલે એ ઉપદેશ નિષ્ફળ નહિ જાય.

यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ ।
तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः ॥२३॥
प्रकाशन्ते महात्मन इति ।
ઉપનિષદનું આ રહસ્યમય ગૂઢ જ્ઞાન એના અર્થ સાથે સૌ કૌઇના હૃદયમાં પ્રકાશ પામતું નથી. સદગુરુની અને પરમાત્માની સુદ્રઢ શ્રદ્ધભક્તિથી જે સંપન્ન છે અને પવિત્ર જીવન જીવે છે તેવા વિરલ મહાત્માપુરુષોના હૃદયમાં જ તે પ્રકાશ પામે છે. 'જે કોઇ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.' એટલે આત્મજ્ઞાનના રહસ્યને જાણવા કે પામવા માગનારા પુરુષે પવિત્ર પરમાત્મમય જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઇએ. प्रकाशन्ते महात्मन - પદનો બે વાર પ્રયોગ કરવામાં આવ્યો છે એ ઉપનિષદની સમાપ્તિ સૂચવે છે.

No comments:

Post a Comment