Wednesday 19 December 2012

ॐકાર ને આત્માની એકતા

ઋષિ કહે છે કે આ આત્મા ॐકાર છે. આત્માની જે અવસ્થાઓ છે તે  ॐકારની માત્રાઓ છે. એ માત્રાઓ અ, ઉ ને મ એમ ત્રણ છે. જાગ્રત અવસ્થામાં રહેનારો વૈશ્વાનર આત્મા અકારરૂપ પહેલી માત્રા છે. અકારનો વ્યાપક ભાવાર્થ આપ્તિ−પ્રાપ્તિ અથવા આદિમત્વ થાય છે. એ વ્યુત્પત્તિ અથવા ભાવાર્થને જે જાણે છે તે બધી કામનાને મેળવી લે છે, તેમ જ સર્વોત્તમ બને છે. સ્વપ્નાવસ્થાનો તૈજસ આત્મા તે ઉકારરૂપ બીજી માત્રા છે. એ ઉકારનો વ્યાપક ભાવ ઉત્કર્ષ અથવા ઉભયત્વ થાય છે. તે ભાવાર્થને જાણનાર જ્ઞાનની વૃદ્ધિ કરી સમદર્શી બને છે. સુષુપ્તિ અવસ્થાનો પ્રાજ્ઞ આત્મા તે મકારરૂપ ત્રીજી માત્રા છે. તેનો ભાવ મિતિ−માપ અથવા અપીતિ − લય થાય છે. તે ભાવને સમજનાર બધાનું રહસ્ય જાણી લઈને આત્મામાં લય પણ પામે છે. માત્રા વિનાનો ચોથો આત્મા મન ને વાણીના વ્યવહારથી પર છે. સંસાર ત્યાં શાંત થાય છે. તે કલ્યાણસ્વરૂપ ને અદ્વૈત છે. એ પ્રમાણે ॐકાર ને આત્મામાં કાંઈ ફેર કે ભેદ નથી. એ પ્રમાણે ॐકાર ને આત્માની એકતા જે જાણી લે છે તે આત્મામય બની આત્મામાં પ્રવેશ કરે છે.

લયદશાનો લાભઆ વાક્યોમાં ઋષિએ ॐકારની ઉપાસનાના લાભ પણ બતાવ્યા છે. ચિત્તની લયદશા ને તેને પરિણામે થતો પરમાત્માનો સાક્ષાત્કાર એ તેનો મુખ્ય ને છેવટનો લાભ છે. પરંતુ તે લાભ કાંઈ એકાદ બે દિવસમાં ન થાય. તે માટે તો દિવસો ને વરસો સુધી એકધારા સાધનામાં મંડ્યા રહેવું જોઈએ. ॐકારનું નિરંતર ને નિયમિત રીતે ચિંતન, મનન ને ધ્યાન કરતા રહેવું જોઈએ. કેટલાક લોકો ॐકારની ગર્જના કરે છે તો કેટલાક તેના દીર્ઘ ધ્વનિનો આધાર લઈને મનને એકાગ્ર ને શાંત કરવાના પ્રયાસ કરે છે. કોઈ કોઈ તેનું ધ્યાન પણ કરે છે. ॐકારના ધીમા પણ મધુર, સતત ને તાલબદ્ધ ધ્વનિમાં મનની વૃત્તિને જોડવાથી શરૂઆતમાં ઘણો લાભ થાય છે ને ધ્યાન માટેની તૈયારીમાં મોટી મદદ મળે છે. ધ્યાનની મદદથી જ્યારે ચિત્તનો લય થવાની શરૂઆત થાય ત્યારે અનેરો આનંદ થાય છે ને ઊંડી શાંતિ મળે છે. તે દશાની પ્રાપ્તિ માટે ખૂબ ધીરજ, જાગૃતિ ને પરિશ્રમ જોઈએ.

લયદશા કષ્ટસાધ્ય છે. તે મોડી આવે છે પરંતુ એક વાર શરૂ થયા પછી આપોઆપ આગળ વધે છે. તે દશા ભારે સુખદ છે. છતાં સાધકે તેના પણ મોહમાં પડવાની જરૂર નથી. તેના મોહમાં પડી જવાથી કેટલીક વાર સાધક સમાધિનો જ અનુરાગી બની સમાધિને જ સર્વસ્વ માનતો થઈ જાય છે ને પરમાત્માના સાક્ષાત્કારની મહત્વની વાત ભૂલી જાય છે. જાગૃતિ દશા તરફ કેટલીક વાર એનો અણગમો પણ આવવા માંડે છે. એ સ્થિતિ ઉત્તમ ને આવકારદાયક નથી જ. સાધકે તેથી સાવધાન રહેવાની જરૂર છે. લયદશાનો લાભ લેવાની સાથેસાથે પરમાત્માનો સાક્ષાત્કાર કરવા તૈયાર રહેવું જોઈએ તેમ જ જીવનને પ્રભુમય કરવા ને સમદર્શી થઈને સૌમાં પ્રભુનો પ્રકાશ જોવા ટેવ પાડવી જોઈએ. કોઈ પણ એક અવસ્થાના મોહ કે બંધનમાં બંધાયા વિના પરમાત્માના પ્રેમી ને પરમાત્મદર્શી થવાની જ જરૂર છે. તો જ જીવન ધન્ય બની શકે. કામ ઘણું મોટું ને જીવન થોડું છે; પરંતુ તેનું મહત્વ ભારે હોવાથી તેને પૂરૂં કર્યા વિના છૂટકો નથી.

પૂર્ણાહુતિઆ ઉપનિષદની પૂર્ણાહુતિ પણ મુંડક ને પ્રશ્ન ઉપનિષદના જેવા જ શ્લોકોથી કરવામાં આવી છે. શ્લોકોમાં પ્રકટ થયેલી દીર્ઘાયુની ભાવના સાથે ઓતપ્રોત થઈને આપણે પણ જીવનને વધારે ને વધારે મંગલ ને ઉજ્જવળ બનાવવા વધારે જીવીએ અથવા કહો કે વધારે જીવનની કામના પૂરી થાય કે ન થાય તોપણ, જીવનની જે પળો આપણને પ્રાપ્ત થાય તેનો સદુપયોગ કરવાની કળા તો જરૂર શીખી લઈએ. જીવનની જે ક્ષણો આપણને મળી છે તેનો વિવેકપૂર્વક ને બરાબર ઉપયોગ કરીશું તો જીવનને આપણે જેવું ધારીશુ તેવું બનાવી શકીશું. એ માટે પ્રમાદનો ત્યાગ કરીને સાધનાપરાયણ બનવું પડશે. નહિ તો પછી મનની વાત મનમાં જ રહી જશે ને પાછળથી વિના પરિણામ પસ્તાવું પડશે.

मनकी मनही मांहि रही ।
ना हरि भजे न तीरथ सेवे, चोटी कांल ग्रही ।
मनकी मनही मांहि रही ॥
એ દશા ન થાય તે માટે સાવધાન રહેવાની જરૂર છે.


No comments:

Post a Comment